બ્લેક ડે જાહેર કરી તબીબોએ કર્યો ઉગ્ર વિરોધ મોરબી : કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત નેશનલ મેડિકલ કમિશન બિલ ૨૦૧૭નો વિરોધ કરી આજે દેશભરના તબીબોએ બ્લેક ડે જાહેર કરતા મોરબીની તમામ હોસ્પિટલો, દવાખાને કેન્દ્રના કાળા કાયદા વિરુદ્ધ સજ્જડ બંધ પાડી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબીના પ્રમુખ ડો.સુનિલ અખાણી અને મંત્રી ડો.જે.એલ.દેલવાણીયાની આગેવાની હેઠળ મોરબીના તબીબોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત એનએમસી બિલ ૨૦૧૭ના વિરોધમાં મોરબી શહેરના તમામ દવાખાના અને હોસ્પિટલો સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધી બંધમાં જોડાઇ સજ્જડ હડતાલ પાડી હતી જો કે તબીબોએ ઇમરજન્સી કેસની સારવાર ચાલુ રાખી હતી. વધુમાં આજના દિવસને દેશભરમાં આઈએમએ દ્વારા કાળા દિવસ તરીકે મનાવવામાં આવ્યો છે અને આ નેશનલ મેડિકલ કમિશન બિલ પાછું નહિ ખેંચાયતો આવનાર દિવસોમાં આ આંદોલન હજુ વધુ ઉગ્ર બનવવાની તબીબો દ્વારા ચીમકી આપવામાં આવી હતી.