અરૂણોદયનગરમાં જૈન દેરાસર આસપાસ અને ઘરોમાં ગંદા પાણી ઘુસી જતા રોગચાળાનું જોખમ : પાલિકા તંત્રએ ફરી એકવાર ખાતરીનો લોલીપોપ આપ્યો મોરબી : મોરબીના સામાકાંઠે અરૂણોદયનગર વિસ્તારમાં આવેલ જૈન દેરાસરની આસપાસ અને લોકોના ઘરોમાં ગટરના પાણી ઘુસી જતા રોગચાળાનું જોખમ વધી ગયું છે.આ ગંભીર સમસ્યા મામલે અનેક રજુઆત કરવા છતાં નીંભર તંત્ર દાદ નહિ આપતા અંતે આજે આ વિસ્તારની મહિલાઓનું ટોળું રજુઆત કરવા પાલિકા કચેરીએ દોડી ગયું હતું અને ગટરના પાણી ભરાવવા મામલે ઉગ્ર રજુઆત કરી હતી.જોકે પાલિકા તંત્રએ ફરી એકવાર ખાતરીનો લોલીપોપ આપ્યો હતો. મોરબીના સામાકાંઠે વોર્ડ નંબર 3 અરૂણોદયનગરમાં આવેલ જૈન દેરાસર આસપાસ વિસ્તારમાં ગટરના ગંદા પાણી ભરાવવાની ભયંકર સમસ્યા સર્જાય છે.આ ગંભીર સમસ્યા ઉકેલવાની તંત્રએ કોઈ તસ્દી ન લેતા અંતે આજે વિસ્તારની મહિલાઓનું ટોળું પાલિકા કચેરીએ રજુઆત કરવા ઘસી ગયું હતું.જ્યાં મહિલાઓએ પોતાના વિસ્તારની ગટરની સમસ્યા અંગે ઉગ્ર રજુઆત કરી હતી કે, અરૂણોદયનગરમાં આવેલ જૈન દેરાસર આસપાસ ગટરના એટલી હદે ગંદા પાણી ભરાયા છે કે, દેરાસરમાં પૂજા પાઠ અને દર્શન કરવા પણ જઈ શકાતું નથી તેમજ આસપરના ઘરોમાં પણ ગટરના ગંદા પાણી ભરાયેલા છે જેથી ગટરની ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા સ્થાનિક લોકોનું આરોગ્ય જોખમાય રહ્યું છે લોકો નાની મોટી બીમારીમાં સપડાઈ રહ્યા છે.અને રોગચાળો વધ્યો છે.છેલ્લા એક અડવાડિયાથી આ ગટરના ગંદા પાણી ભરાવવાની ગંભીર પરિસ્થિતિ છે.અગાઉ અનેક વખત આ ગંભીર પ્રશ્ને રજુઆત કરવા છતાં તંત્ર દાદ આપતું નથી.ત્યારે આજે ગટરના પ્રશ્નની મહિલાઓએ રજુઆત કરતા તંત્રએ રાબેતા મુજબ ખાતરી આપી છે.જોકે અગાઉ અનેક વખત તંત્ર ખાતરી આપીને પાણીમાં બેસી જતું હોય ત્યારે વધુ એક વખત આપેલી ખાતરી દરેક વખતની જેમ લોલીપોપ સમાન બની રહેશે કે કેમ તે જોવાનું રહ્યું.