નવલખીરોડ ઉપર આવેલ અમૃતપાર્ક સોસાયટીની દાદાગીરી : વાલ્વ ખોલવા ન દેતા ૧૫૦૦ પરિવારો પાણી વગર ટળવળે છે મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલ રણછોડ નગર વિસ્તારમાં માનવ સર્જિત પાણીની કટોકટી ઉભી થતા સ્થાનિક રહેવાસીઓ દ્વારા નગરપાલિકા કચેરીમાં હલ્લાબોલ કરી પાણી આપવાની માંગ બુલંદ બનાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવલખી રોડ પર આવેલ રણછોડ નગર વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી પાણીની મોકાણ સર્જાઈ છે, પાણીની સમસ્યા પાછળ બાજુમાં આવેલ અમૃતપાર્ક સોસાયટીના રહેવાસીઓની દાદાગીરી હોવાનું જણાવી સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમૃતપાર્કમા આવેલ પાણીનો વાલ્વ ખોલવા દેવામાં ન આવતો હોવાથી આ સમસ્યા સર્જાય છે. વધુમાં નગરપાલિકાએ રજુઆત માટે દોડી આવેલા લોકોએ જણાવ્યું હતું કે રણછોડનગરમાં ૧૫૦૦ થી વધુ પરિવારો વસવાટ કરે છે અને વારંવાર રજુઆત કરવા છતાં પગલાં ન લેવાતા સોસાયટીના રહેવાસીઓ મોટી સંખ્યામાં રજુઆત માટે રૂબરૂ દોડી આવ્યા હતા. જો કે રણછોડ નગરના રહેવાસીઓ રજુઆત કરવા આવ્યા ત્યારે પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન હોય કલાકો સુધી હલ્લાબોલ મચાવી રણછોડનગરના રહેવાસીઓએ પાણી પ્રશ્નનો તાકીદે ઉકેલ લાવવાની માંગ કરી હતી અન્યથા ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચારી હતી.