લૂંટના ઇરાદે ૪ શખ્સો અનેકવાર ગામમાં આવ્યા પરંતું ગ્રામજનોની સતર્કતાના કારણે તેઓના પ્રયાસો નિષ્ક્રિય રહ્યા મોરબી : મોરબીના રાજપર(કું) ગામે લૂંટના ઇરાદે અજાણ્યા ૪ હથિયારધારી શખ્સોએ અનેક વાર દેખા દીધી છે. ત્યારે તેમની શોધખોળ ચલાવી તેમજ ગામની સુરક્ષાને ધ્યાનમાં લઈને યોગ્ય પગલાં ભરવા ગ્રામજનોએ પોલિસ અધિક્ષકને રજુઆત કરી હતી. રાજપરના ગ્રામજનોએ પોલીસ અધીક્ષકને રજુઆતમાં જણાવ્યું હતું કે તેઓના ગામમાં ૪ હથિયારધારી અજાણ્યા શખ્સો લૂંટના ઇરાદે અનેક વાર આવ્યા છે. પરંતુ ગ્રામજનોની સતર્કતાના કારણે તેઓના કાવતરા સફળ થયા નથી. ગત રાત્રે પણ આ શખ્સો ગામમાં આવ્યા હતા. આ અંગે ગ્રામજનોને ખબર પડતા ગ્રામજનો લાકડી લઈને તેઓની પાછળ દોડ્યા હતા. આ શખ્સોએ ગામથી થોડે દુર તેઓનું વાહન પાર્ક કર્યું હોય, તેમાં નાસી છૂટ્યા હતા. વધુમાં ગ્રામજનોએ જણાવ્યુ કે રાજપર ગામે આવા શખ્સો દ્વારા કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવામાં આવે તે પૂર્વે આ શખ્સોની શોધખોળ ચલાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ રાજપર ગામની સુરક્ષા તરફ પૂરતું ધ્યાન આપવામાં આવે તેવી માંગ છે.