મહેન્દ્રનગર ગામને છેલ્લા ૧૫ દિવસથી પાણી ન મળતા ગ્રામજનોએ પાણી પૂરવઠા બોર્ડમાં મોરચો માંડ્યો : આવેદન અપાયું મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે છેલ્લા ૧૫ દિવસથી પાણી ન આવતા ગ્રામજનોને હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે આજે ગ્રામજનોની ધીરજ ખૂટતા તેઓએ મોરબીની પાણી પુરવઠા કચેરીમાં મોરચો માંડી કાર્યપાલક ઇજનેરને આવેદન પાઠવ્યું હતું અને આ મામલે યોગ્ય નહિ થાય તો રસ્તા રોકો આંદોલન શરૂ કરવાની ચીમકી આપી હતી. મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા લોકોનું ટોળું આજે મોરબીની પાણી પુરવઠા કચેરીએ ધસી આવ્યું હતું. મહેન્દ્રનગર ગ્રામપંચાયતના સરપંચ હેતલબેન મૂછડીયા તથા ગામના અગ્રણી અશ્વિનભાઈ બોપલીયા સહિતના ગ્રામજનોએ પાણી પુરવઠાના અધિકારી કાર્યપાલક ઈજનેરને આવેદન આપીને જણાવ્યું હતું કે, મહેન્દ્રનગર ગામની આશરે ૨૦ થી ૨૫ હજારની વસ્તી છે. ગામમાં અગાઉ પાણી પૂરવઠા બોર્ડ દ્વારા નિયમિત રીતે પાણી વિતરણ થતું હતું. પરંતુ છેલ્લા ૧૫ દિવસથી મહેન્દ્રનગર ગામમાં પાણી આવતું નથી. છેલ્લા ૧૫ દિવસથી પાણી ન આવતું હોવાથી ગામ લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. હાલ કાળઝાળ ગરમીમાં મહિલાઓને પાણી માટે જ્યાં ત્યાં વલખાં મારવા પડે છે. જેથી તાત્કાલિક પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહિ આવે તો ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.