મોરબી : લોકડાઉનની સ્થિતિને લઈને ચાર કે તેનાથી વધુ લોકોને એકઠા થવા પર કોરોના સંક્રમણ વધવાના ખતરાને મદ્દેનજર મોરબી મુસ્લિમ સમાજ દ્વારા રમજાનના આખરી જુમમાની તેમજ ઇદની નમાઝ ઘરમાં રહીને જ અતા ફરમાવવાનું નક્કી કર્યુ છે. આ અંગેની એક પ્રેસ યાદી પણ જાહેર કરવામાં આવી છે. સૈયદ અબ્દુલરશીદ મીંયા હાજી મદનીમીંયા બાપુ અલ કાદરી જીલાની શહેર ખતીબ, સુન્ની મુસ્લિમ જમાત મોરબીની એક પ્રેસ યાદી જણાવે છે કે, આજે રમજાન માસનું આખરી જુમ્મા છે, ઈંશાઅલ્લાહ થોડા દિવસોમાં જ ઇદના ચાંદના દીદાર થશે. જો કે હાલ ચાલી રહેલી મહામારીની સ્થિતિમાં તંત્ર તરફથી જાહેરમાં કે મસ્જિદમાં ચારથી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ ચાલી રહ્યો હોય આવી સ્થિતિમાં પંજ વક્તા નમાઝ, નમાઝે જુમ્મા અને ઇદની નમાઝ ઘર પર રહીને જ અતા ફરમાવવામાં આવે. તમામ બિરાદરો ચાશ્તની ૪ રકાત નફલ નમાઝ તુલૂએ આફતાબ બાદ સવારે 09 કલાકે ઘર પર જ પઢે અને ઇદ ઉલ ફિત્ર ઘર પર રહીને જ મનાવે. અલ્લાહની બારગાહમાં દુઆ કરે કે આ લાઈલાજ બીમારીના આલમથી દુનિયાને બચાવે, આમીન. શહેજાદા-એ-મદની સરકાર, હઝરત મૌલાના પીર સૈયદ, મુફ્તી મોહંમદ સીદી્ક જીલાનીમીંયા, કાદરી-યુલ-જીલાનીની એક યાદી પણ જણાવે છે કે, ઘરોમાં ચાર રકઆત નમાઝે ચાશ્ત પઢવું બહેતર છે. જે શખ્સ ઇદની નમાઝ ન પઢી શકે તો બહેતર છે કે એ ચાર રકઆત ચાશ્તની નમાઝ પઢે. તુલુએ આફતાબથી 20 મિનિટ પછીથી ઝવાલથી પહેલા સુધી પણ ઈદના દિવસે નમાઝે ઇદથી પહેલા પઢવું મકરૂર છે. એટલે શહેરમાં જ્યાં પણ ઇદની નમાઝ થઈ જાય તો તેના બાદ ચાશ્તની નમાઝ પઢવી.