મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં બનેલો બનાવ મોરબી : મોરબીના સામાકાંઠે રામદેવનગર મેઇન રોડ સો-ઓરડી ખાતે રહેતા યુવાન પાસે માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા શખ્સે ખિસ્સા ખર્ચીના પૈસા માગી છરીના ઘા ઝીકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રામદેવનગર મેઇન રોડ સો-ઓરડી ખાતે રહેતા પ્રદીપ વિનોદભાઇ મકવાણા નામના યુવાન પાસે માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતો કેવલદાસ નટવરદાસ રાબડીયા છેલ્લા ત્રણ ચાર દિવસથી ખિસ્સા ખર્ચી માટે પૈસા માંગતો હતો પરંતુ પ્રદીપ કઈ કમાતો ન હોય પૈસા આપવાની ના પાડતા કેવલે તેના ઘરે બોલાવી માથાકૂટ કરી ગાળો આપતા પ્રદીપે ગાળો નહિ આપવાનું કહેતા ઉશ્કેરાયેલા કેવલે છરીના ઘા ઝીકી દીધા હતા. કેવલે છરીના ઘા મારતા મૃતક પ્રદીપને પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ બાદમાં રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમે સમગ્ર ઘટનાથી પોતાના મોટાભાઈ સંદિપભાઇ વિનોદભાઇ મકવાણાને વાકેફ કર્યા હતા. જો કે રાજકોટ સારવાર દરમિયાન મોડીરાત્રે પ્રદીપભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે મૃતક પ્રદીપ ચાર ભાઈઓમાં બીજા નંબરનો હતો અને પ્રદીપના પિતા તથા ભાઈ મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે. નોંધનીય બાબત તો એ છે કે ખિસ્સા ખર્ચીના પૈસા માંગી છરી હુલાવનાર આરોપી કેવલ મોરબી સરકારી હોસ્પિટલે પણ આવ્યો હતો અને પ્રદીપે બનાવ અંગે તેના મોટાભાઈને વાકેફ કરતા ત્યાંથી નાસી ગયો હતો. હાલમાં ઘટના અંગે પોલીસે મૃતક પ્રદીપના મોટાભાઈ સંદિપભાઇ વિનોદભાઇ મકવાણાની ફરિયાદના આધારે માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા કેવલદાસ નટવરદાસ રાબડીયા વિરુદ્ધ આઈપીસી કલમ- ૩૦૨,૫૦૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધ્યો છે અને બી ડિવિઝન પીઆઇ જે. એમ.આલ તપાસ ચલાવી રહ્યા છે.