મોરબી : ગુજરાત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ પ્રોત્સાહક વળતર યોજના મુજબ મોરબી નગરપાલિકા દ્વારા જુના કરવેરા બાકી હોય તેનું સંપૂર્ણ વ્યાજ માફ કરવાનો નિર્ણય અમલમાં મુકવામાં આવ્યો છે અને જે બાકી કરદાતા જુના કરવેરા ભરે તેને વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેથી આજે બીજે દિવસે કર વસુલાત રૂ. ૩૨,૦૫,૫૦૨ પેટે રૂ. ૧૦,૩૭,૯૪૭ ની રકમની વ્યાજ માફી અપાઈ છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં મોરબી નગરપાલિકામાં જે જે આસામીઓના કરવેરા બાકી છે તેમાં બાકી રકમ ઉપર ચડેલી વ્યાજની દંડનીય રકમની માફી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સરકાર દ્રારા જાહેર કરાયેલ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ પ્રોત્સાહક વળતર યોજના મુજબ નગરપાલિકામાં જુના કરવેરા બાકી હોય તેવા કરદાતાઓને વ્યાજમાંથી મુક્તિ આપવાના નિર્ણયનો ગઈકાલથી અમલ કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ આજે કુલ વસુલાત રૂ. ૩૨,૦૫,૫૦૨ તથા આજે મોરબી નગરપાલિકા દ્રારા કુલ રૂ. ૧૦,૩૭,૯૪૭ની રકમની વ્યાજ માફી આપવામાં આવેલ છે. આમ અત્યાર સુધીના જુના કરવેરા બાકી હોય તેનું વ્યાજ માફ કરી દેવાશે અને કરવેરાની મૂળ રકમની જ વસુલાત કરવામાં આવી રહી છે. આ યોજના 31 માર્ચ સુધી અમલમાં રહેશે.આ ઉપરાંત મોરબી પાલિકા દ્વારા દર વર્ષે એડવાન્સ ટેક્સ ભરનારને 10 ટકા રિબેટ અપાતો હોય છે. ત્યારે હવે ઇ-નગર મારફતે જે લોકો એડવાન્સ ટેક્સ ભરશે તેને 5 ટકા વધુ રિબેટ મળશે એટલે કુલ 15 ટકા રિબેટ મળશે.