ચાસ માસમાં બાકીના કરવેરાની આકરી વસુલાત ન થાય તો આર્થિક વ્યવસ્થાને માઠી અસર થવાની શક્યતા મોરબી : મોરબી પાલિકા આ વખતે કરવેરાની વસુલાત ઉદાસીન રહ્યું હોય એવું લાગે છે.જોકે પાછલાં વર્ષોમાં અત્યાર સુધીમાં પાલિકા તંત્રએ પોણા ભાગનો કરવેરાની વસુલાતનો ટાર્ગેટ પૂરો કરી દીધો હતો.પણ આ ચાલુ નાણાકીય વર્ષમાં પાલિકા તંત્ર કરવેરાની વસુલાતમાં ઉણું ઉતર્યું હોય તેમ 72 ટકા જેવી કરવેરાની વસુલાત બાકી છે.અને આઠ મહિનામાં માત્ર 28.26 % જ કરવેરાની વસુલાત થઈ શકી છે.હવે બાકીના ચાર મહિમા આ ટાર્ગેટ પૂરો કરવાનો છે.ત્યારે જો કરવેરાની વસુલાતનો આ ટાર્ગેટ પૂરો કરવા તંત્ર અસક્ષમ રહે તો પાલિકાની આર્થિક વ્યવસ્થાને અસર પહોંચે તેમ છે. મોરબી પાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં સપ્ટેમ્બર સુધી કરદાતાઓ માટે કરવેરામાંથી 10 ટકાની રાહત આપવામાં આવી હતી.જોકે તંત્ર દ્વારા કરવેરાની વસુલાત વર્ષભર કરવામાં આવે છે ત્યારે ચાલુ નાણાકીય વર્ષમાં કરવેરાની વસુલાત માટે હવે ડિસેમ્બર, જાન્યુઆરી, ફ્રેબ્રુઆરી, માર્ચ એમ ચાર મહીના જ બાકી રહ્યા છે.જ્યારે કરવેરાની વસુલાતના આઠ માસ પુરા થઈ ગયા છે.કરવેરાની વસુલાતમાં પાછલા વર્ષની દ્રષ્ટિએ ઉણું ઉતર્યું હોય એવું આ વર્ષના આઠ મહિનામાં થયેલા કરવેરાની વસુલાતના આંકડા પર સિદ્ધ થાય છે. ચાલુ વર્ષે રૂ.23.52 કરોડ કરવેરાની વસુલાત બાકી છે.કુલ શહેરમાં 75 હજાર જેટલા મિલ્કત ધારકો છે.જેમાંથી માત્ર 16,500 આસમીઓએ અત્યાર સુધીમાં પાલિકામાં કરવેરા ભર્યા છે.એટલે માત્ર પાલિકાને કરવેરાની રૂ.6.64 કરોડની આવક થઈ છે. આશરે રૂ.17 કરોડના કરવેરાની વસુલાત બાકી છે.આઠ મહિનામાં 6.64 કરોડની કરવેરાની વસુલાત થઈ શકી છે.આમ કરવેરાની વસુલાત માટે તંત્ર ઉદાસીન રહ્યું છે.બાકીના 58500 મિલ્કત ધારકોને હજુ કરવેરા ભરવાના બાકી છે.ત્યારે હવે કરવેરાની વસુલાત માટે ચાર મહિના બાકી રહ્યા છે અને અત્યારથી પાલિકા તંત્ર કરવેરાની વસુલાત માટે સુવ્યવસ્થિત આયોજન કરે તો છેલ્લી ઘડીએ દોડાદોડી ન કરવી પડે.જોકે પાછલા વર્ષોમાં આઠ મહિના સુધીમાં કરવેરાનો 70 ટકા જેવો ટાર્ગેટ પૂરો કરી દેવામાં આવતો હતો.પણ આ વર્ષે 72 ટકા જેવી વસુલાત બાકી રહી છે.જો પાલિકા આ કરવેરાનો ટાર્ગેટ પૂરો કરવામાં અસમર્થ નીવડે તો સ્વંભંડોળમાં વધુ ખેંચાવું પડશે અને આર્થિક વ્યવસ્થાને પણ અસર કરશે.આ તમામ સ્થિતિને ધ્યાને લઈને પાલિકાએ અત્યારથીજ કરવેરાની વસુલાત માટે કમર કસવી જરૂરી બની છે.