મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે દવાનો છંટકાવ, ફોગિંગ અને ડસ્ટિંગ જેવી પ્રવૃત્તિઓ કરાઈ: લોકોને સાવચેતી દાખવવા અપીલ મોરબી: ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને, મોનસુન કામગીરીના ભાગ રૂપે મોરબી મહાપાલિકાની મેલેરિયા શાખાએ મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયત માટે સઘન કામગીરી હાથ ધરી છે. આ ઝુંબેશના ભાગરૂપે, ટીમોએ ઘરે-ઘરે જઈને પાણી ભરેલા પાત્રોની ચકાસણી કરી હતી અને જ્યાં મચ્છરોના પોરા જોવા મળ્યા હતા ત્યાં પોરાનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો. આ ઉપરાંત, ખુલ્લી ગટરો અને વોકળામાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે દવાનો છંટકાવ, ફોગિંગ અને ડસ્ટિંગ જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી.મહાપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગોથી બચવા માટે સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે. જેમાં ઘરના પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકવા, સાંજના સમયે બારી-બારણા બંધ રાખવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, અને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા, ઘરની આજુબાજુ ભરાયેલ બંધાર પાણી વહેતુ કરી દેવા જણાવ્યું હતું. તેમજ તાવ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.