મોરબી: મોરબી મહાપાલિકાને એક નાગરિકે બંધ પડેલી સ્ટ્રીટ લાઇટ અંગે ઓનલાઈન ફરિયાદ કરી હતી. જેમાં સ્થળ પર રિપેરિંગ થયા વિના જ ફરિયાદનો નિકાલ (સોલ્વ) દર્શાવી દેવાયાનો કિસ્સો સામે આવ્યો છે.ગિરધરભાઈ પરમાર, રહેવાસી લીલાપર કેનાલ રોડ, વોર્ડ નંબર 12, ક્લસ્ટર 11, દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં આવેલી સ્ટ્રીટ લાઇટ બંધ છે. આ અંગે તેમણે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવ્યાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં, મહાપાલિકાનો કોઈ કર્મચારી સ્ટ્રીટ લાઇટ રિપેર કરવા માટે આવ્યો નથી. તેમ છતાં, જ્યારે તેમણે ઓનલાઈન સ્ટેટસ તપાસ્યું, તો તેમની ફરિયાદનો નિકાલ થઈ ગયો હોવાનું અને સમસ્યા 'સોલ્વ' થઈ ગઈ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ મામલે ત્વરિત તપાસ કરીને સ્થળ પર સ્ટ્રીટ લાઇટ રિપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.