અમદાવાદ ખાતે મુખ્યમંત્રીના હસ્તે જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને ચેક અર્પણ કરાયોમોરબી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કાર્યો માટે રૂ.2800 કરોડની રકમના ચેક અર્પણ સમારોહ કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો હતો. જેમાં મોરબી મહાપાલિકા માટે જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને રૂ. 40 કરોડનો ચેક અર્પણ કરાયો હતો. મુખ્યમંત્રીએ રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ રૂ.2132 કરોડ તથા નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓને પ્રત્યેકને રૂ.40 કરોડ મુજબ કુલ રૂ.360 કરોડ રૂપિયાની રકમ માળખાકીય વિકાસ કામો માટે આપી હતી. આ ઉપરાંત રાજ્યની 152 નગરપાલિકાઓને કુલ રૂ.308 કરોડ મળીને રૂ.2800 કરોડ રૂપિયા વિકાસ કાર્યો માટે આપ્યા હતા.મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં જ્યારે અર્બનાઈઝેશનને પડકાર ગણવામાં આવતો હતો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરાવીને આપણી વિરાસતને અનુરૂપ અર્બન ડેવલોપમેન્ટ મોડલ વિકસાવવા માટેની મૂળભૂત માળખાકીય સુવિધા નિર્માણનો મજબૂત પાયો તેમણે નાખ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટીઝ અન્વયે માનનીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલા સિટી ઈન્વેસ્ટમેન્ટ્સ ટુ ઈનોવેટ, ઇન્ટીગ્રેટ અને સસ્ટેઈન કાર્યક્રમમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં છે. તેમણે આ સંદર્ભમાં ઉમેર્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા આપણા નગરો-મહાનગરોએ ગ્રીન સ્પેસ, ગ્રીન ગ્રોથ અને ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા સર્વેક્ષણમાં લીડ લીધી છે. એટલું જ નહિ, સર્ક્યુલર ઇકોનોમીને વેગ આપવા ચાર ‘R’ રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ અને રિકવર પર ફોકસ કર્યું છે.મુખ્યમંત્રીએ 2047ના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો રોડમેપ ‘અર્નિંગ વેલ અને લિવિંગ વેલ’ના સંકલ્પ સાથે તૈયાર કરવામાં આવ્યો છે તેમ જણાવતા કહ્યું કે, 2047ના વિકસિત ભારત પહેલાં 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ ઉજવાય ત્યાં સુધીમાં આપણા શહેરોને દેશમાં ઉતકૃષ્ઠ સુવિધાયુક્ત શહેરો બનાવવાની તક છે. તેમણે સિટિઝન સેન્ટ્રીક ઈ-સર્વીસીસ અને મોબાઈલ ગવર્નન્સનો વ્યાપ વધારીને બધા જ શહેરોમાં ટેક્ષ કલેક્શન, વીજ બિલ સહિતના બિલોના પેમેન્ટ માટે યુ.પી.આઈ.ના ઉપયોગને વેગ મળે તે જોવાનો પણ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, નાણાં તેમજ શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.