ઘરે ઘરે મુલાકાત લઈને પાણીથી ભરેલા પાત્રોની તપાસ તેમજ દવા છંટકાવ અને ફોગિંગ સહિતની કામગીરી કરાઈ મોરબી : મોરબી મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસા પહેલા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયત માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. મેલેરિયા શાખાની ટીમો દ્વારા ઘરે ઘરે મુલાકાત લઈને પાણીથી ભરેલા પાત્રોની તપાસ કરવામાં આવી હતી. જ્યાં પણ પાણી ભરેલા પાત્રોમાં મચ્છરોના પોરા જોવા મળે છે, ત્યાં પોરાનાશક દવાઓ નાખી તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ખુલ્લી ગટરો અને વોકળાઓમાં મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે દવા છંટકાવ અને ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. મોરબી મહાપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા નાગરિકોને મચ્છરજન્ય રોગોથી બચવા ઘર વપરાશના પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકવા, સાંજના સમયે બારી-બારણા બંધ રાખવા, મચ્છરદાનીમાં સૂવાનો આગ્રહ રાખવો, મચ્છર કરડે નહીં તે માટે આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા તેમજ ઘરની આજુબાજુ ભરાયેલું બંધિયાર પાણી તરત જ વહેતું કરી દેવા વગેરે તકેદારી રાખવા તેમજ તાવના લક્ષણો જણાય તો નજીક ના આરોગ્ય કેંન્દ્ર નો સમ્પર્ક કરવા અપીલ કરવામા આવી છે.