માત્ર 3 જ મહિનામાં મહાપાલિકાએ રૂ.12 કરોડની વેરા વસુલાત કરી : હજુ પણ અનેક બાકીદારોને વોરંટ બજવણી કરી કાર્યવાહી ચાલુમોરબી : મોરબી મહાનગરપાલિકા બાકી વેરાને લઈને આકરા પાણીએ આવી છે. માત્ર 3 જ મહિનામાં મહાપાલિકાએ રૂ.12 કરોડની વેરા વસુલાત કરી છે. રૂ.1 લાખથી વધુ વેરો બાકી હોય તેવા 8 આસામીઓના પાણી કનેકશન કરી નાખવામાં આવ્યા છે. ઉપરાંત 37 આસામીઓની મિલકતોને સીલ કરી નાખવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા તા.01 જાન્યુઆરીથી 31 માર્ચ સુધીમાં રૂ.1 લાખથી વધુ વેરો બાકી હોય તેવા 257 મિલકત ધારકોને વોરંટ બજવણી કરવામાં આવી છે. જેમાથી 106 મિલકતધારકો દ્વારા સંપૂર્ણ ટેકસ ભરવામાં આવેલ છે. તેમજ ટેકસ શાખા દ્વારા 8 પાણી કનેકશન તથા 37 મિલકતોને સીલ કરવામાં આવેલ છે. જેમાં વહીવટી ચાર્જ વસુલી 7 મિલકતના સીલ ખોલવામાં આવેલ છે. રૂ.75 હજારથી 1 લાખ સુધીની રકમ બાકીના 118 મિલકતધારકોને વોરંટ બજવણી કરવામાં આવેલ છે. જેમાથી 83 મિલકતધારકો દ્વારા સંપૂર્ણ ટેકસ ભરવામાં આવેલ છે. ઉપરાંત રૂ.50 હજારથી 75 હજાર સુધીની બાકી રકમના 326 મિલકતધારકોને વોરંટની બજવણી કરેલ છે. જેમાંથી 178 મિલકતધારકો દ્વારા સંપૂર્ણ ટેકસ ભરેલ છે.મોરબી નગરપાલિકા 2022-23 ના વર્ષમાં 14.81 કરોડ અને 2023-24 ના વર્ષમાં 12.43 કરોડની વસુલાત કરેલ છે. મોરબી નગરપાલિકા દ્વારા 01/04/2024 થી 31/12/2024 સુધી 9 માસમાં 11.03 કરોડની વસુલાત કરેલ છે. ત્યારબાદ મોરબી મહાનગરપાલિકા કાર્યાન્વિત થયા બાદ 01/01/2025 થી 31/03/2025 ત્રણ માસમાં 12.01 કરોડ મળી નાણાકીય વર્ષ દરમિયાન 23.04 કરોડની વસુલાત કરવામાં આવેલ છે. વર્ષ-2025-26માં પણ ટેકસ શાખા દ્રારા 2024-25ના વર્ષના બાકી રકમ પર ભરપાઈ ન કરનારને વોરંટ બજવણી કરી એપ્રિલ થી જુન દરમિયાન મિલકત જપ્તી/ટાંચમાં લેવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં સીલ કરેલ મિલકતોને ટેકસ શાખા દ્રારા હરાજી કરી બાકી રકમ વસુલાતની કાર્યવાહી કરવામાં આવશે. આથી મોરબી શહેરની જનતાને બાકી વેરા તાત્કાલિક ભરપાઈ કરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવેલ છે. તેમ નાયબ કમિશનર(પ્રોજેકટ) મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.