મોરબી : હાલમાં કડકડતી ઠંડી શરુ થઇ ગઈ છે. લોકોને ઘરની અંદર પણ ગરમ કપડાં કે ધાબળાંની જરૂરિયાત રહે છે. ત્યારે ઘરવિહોણાં લોકો કે જેઓ રસ્તા પર ખુલ્લામાં આખી રાત પસાર કરે છે, તેવા ગરીબોને ઠંડીથી રક્ષણ આપવા મોરબી નગરપાલિકા દ્વારા આશરો આપવા કવાયત હાથ ધરવામાં આવી હતી. મોરબી નગરપાલિકા દ્વારા સરકારી યોજના અંતર્ગત ગઈકાલે તા. 30 ડિસેમ્બરના રોજ મેનેજર ચતુરભાઈ તથા હરેશભાઈ દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખી રાત્રીના ૯:૩૦ થી ૧:૦૦ વાગ્યા સુધી સીટી બસ મારફત પુરા શહેરમાં બહાર ખૂલ્લામા સુતા ઘરવિહોણા લોકો સાથે સરકારના સંવેદનશીલ પ્રયાસને સમજાવી ૧૮ થી ૨૦ જેટલા લોકોને આશ્રયસ્થાનમા લઈ જઈ સુવડાવવામા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આવા લોકોને ઠંડીથી રક્ષણ આપવા માટે આશ્રયસ્થાનમા આશરો આપવામાં આવે, તેવા પરામર્શ સાથે અવાર-નવાર ઉમદા કાર્યો કરવામા આવતા હોય છે. જેમાં ગઈકાલના સેવાકીય કાર્યથી વધુ એક પ્રયાસનો ઊમેરો થયો છે.