ખોટી રજૂઆતના આધારે ગેટ તોડી પાડ્યાનો લત્તાવાસીઓનો આરોપ મોરબી : મોરબી પાલિકાએ આલાપ રોડ પર આવેલ આલાપ પાર્ક સોસાયટીનો મસમોટો ગેટ તોડી પાડયો હતો. આ અંગે પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે આ સોસાયટીમાં રોડ બનાવવાનો હોવાથી તેમાં નડતર રૂપ અને ગેરકાયદેસર હતો એટલે તોડી પાડયો છે. જયારે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ ગેટ ખોટી અરજીઓના આધારે પાલિકાએ તોડી પડ્યો છે. આ રોડ પર જ વોકળાના દબાણો છે તે પાલિકાને નથી દેખાતા અને આ ગેટ જ દેખાણો ?મોરબી નગરપલીકાના ચીફ ઓફિસરની સૂચનાથી પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર ગાયકવાડ સહિતની ટીમે શહેરના આલાપ રોડ પર આવેલ આલાપ પાર્ક સોસાયટીનો મસ મોટો ગેટ શુક્રવારે તોડી પાડયો હતો. આ અંગે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી ગાયકવાડે જણાવ્યું હતું કે આ સોસાયટીમાં રોડ બનાવવાનો હોવાથી તેમાં ગેટ નડતર રૂપ છે તેમજ આ ગેટ ગેરકાયદેસર બનાવવામાં આવ્યો હોવાથી તોડી પડાયો છે. જયારે આલાપ પાર્ક સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે પાલિકાએ ખોટી રજૂઆતોના આધારે લાખોના ખર્ચે બનેલો ગેટ તોડી પાડયો છે. બીજી તરફ સોસાયટીના લોકોએ જણાવ્યું હતું કે, આ જ રોડ પર વોકળા ઉપર ગેરકાયદેસર અનેક દબાણો છે. જે પાલિકાને દેખાતો નથી અને અમારો ગેટ જ દેખાયો ? તેવા સવાલો ઉઠાવ્યા હતા.