આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ વચ્ચે વેરા વસુલાત માટે પાલિકા તંત્રે કમર કસી અને 70 આસામીઓને નોટીસ ફટકારીમોરબી : એ ગ્રેડની ગણાતી મોરબી નગરપાલિકામાં થોડા મહિનાઓ અગાઉ પુલ દુર્ઘટનામાં ભાજપની બોડી સુપરસિડ થયા બાદ અધિકારીઓના હવાલે આવેલો વહીવટ કથળી ગયો હોય એમ પ્રજાના મોટાભાગના પ્રશ્નો અધરતાલ રહ્યાની વચ્ચે પાલિકાની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ હોય વિવિધ કામોનો ખર્ચ ચૂકવવા માટે સ્વંભંડોળ એકઠું કરવા ખાસ કરવેરાની આકરાણી તેજ કરવી જોઈએ. એના બદલે પાલિકા તંત્ર કરવેરાની આકરાણીમાં 9 મહિનામાં માત્ર 25 ટકા જેટલી જ કર વસુલાત થઈ શકી છે.મોરબી નગરપાલિકાના નાણાકીય વર્ષને હવે નવ મહિના થયા હોય પણ આ નવ મહિનામાં નગરપાલિકા તંત્ર વેરા વસુલાતમાં ઘણું પાછળ રહ્યું છે. નગરપાલિકા તંત્રએ આ નવા મહિનામાં ક્યારેય પણ કરવેરાની આકરાણીની કડક ઝુંબેશ હાથ ધરી નથી. કુલ રૂ.31.80 કરોડના બાકી કરવેરા સામે માત્ર રૂ.7.80 કરોડ જેવી જ કર વસુલાત થઈ શકી છે.અત્યાર સુધીમાં કુલ 81 હજાર મિલ્કત ધારકો સામે 19150 લોકોએ કરવેરો ભર્યો છે. બીજીતરફ છેલ્લા છ મહિનામાં 200 જેટલી નવી મિલકતો પાલિકામાં ઉમેરાય છે. આથી હવે રહી રહીને તંત્રને ડહાપણની ડાઢ ઊગી હોય એમ 50 હજારથી 5 લાખ સુધીના 300 જેટલા બાકીદારોમાંથી 70 જેટલા આસામીઓને નોટિસો ફટકારી છે.મોટા આસામીઓની જેમ સરકારી કચેરીઓના વર્ષોથી કરવેરા બાકીમોટા મોટા આસમીઓની જેમ જ મોરબીની ઘણીબધી સરકારી કચેરીઓ પણ વર્ષોથી કરવેરા ભરવામાં નાદારી કરી રહી છે. માર્ગ અને મકાન વિભાગ હસ્તક સહિતની ઘણી બધી કચેરીઓના વર્ષોથી કરવેરા બાકી છે. આશરે 15થી 17 મિલ્કતોના દોઢ કરોડના કરવેરા બાકી છે. આ અંગે અનેકવાર સંકલનમાં પણ ચર્ચા થઇ પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી. જો આ કરવેરા આવી ગયા હોત તો અત્યાર સુધીમાં પ્રજાના ઘણા કામો થયા હોત.નવી કચેરીઓ નોંધણી ન થતા કરવેરા અધરતાલમોરબી જિલ્લો બનતા છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં જિલ્લા કક્ષાનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા પંચાયત, એસપી કચેરી, જિલ્લા સેવાસદન સહિતની નવી કચેરીઓ બની ગઈ અને શરૂ થઈ એને પણ ખાસ્સો સમય થવા છતાં આ નવી કચેરીઓની પાલિકામાં નોંધણી ન થતા આ કચેરીઓના કરવેરા અધરતાલ રહ્યા છે.