અંતે મોરબી કોર્પોરેશનનું અધૂરું બિલ્ડીંગ બાંધવા માટે રૂ.3.5 કરોડ ખર્ચાશે વર્ષ 2018માં બાંધકામ શરૂ થયા બાદ આજદિન સુધી કામ પૂરું ન થતા નવો કોન્ટ્રાકટ : કુમારિકાના હસ્તે અધૂરા કામનું મુહૂર્ત મોરબી : મોરબી શહેરને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ ધીમે-ધીમે શહેરની સિકલ સુરત બદલાઈ રહી છે ત્યારે નગરપાલિકા સમયમાં સાત વર્ષ પૂર્વે ખાતમુહૂર્ત થયેલ કચેરીના મુખ્ય બિલ્ડિંગના વગાવાયેલા અધૂરા બિલ્ડિંગનું કામ પૂર્ણ કરવા અંતે કોર્પોરેશને રૂપિયા 3.5 કરોડનો કોન્ટ્રાકટ આપ્યો છે. જો કે, સાત-સાત વર્ષથી અધૂરા બિલ્ડિંગને પૂર્ણ કરવા હાલમાં છ મહિનાની મુદત આપવામાં આવી છે ત્યારે નવા કોન્ટ્રાકટર બિલ્ડીંગ સમયસર પૂર્ણ કરવા અને કોઈ વિઘ્ન ન આવે તે માટે બાલિકાઓના હસ્તે કામગીરીનો પ્રારંભ કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરની મધ્યમાં આવેલ 50 વર્ષથી વધુ જૂની નગરપાલિકા કચેરીનું બિલ્ડીંગ જર્જરિત બનતા વર્ષ 2018માં નગરપાલિકાના શાસકો દ્વારા કચેરી માટે રૂપિયા 3 કરોડથી વધુના ખર્ચે ગ્રાઉન્ડ પ્લસ ટુ બિલ્ડીંગ બાંધકામ કરવા કોન્ટ્રાકટ આપ્યો હતો. જો કે, કોઈપણ કારણોસર સાત-સાત વર્ષના વહાણાં વીતવા છતાં એક, બે નહીં પરંતુ ત્રણ ત્રણ કોન્ટ્રાકટર બદલાઈ ગયા છતાં આ બિલ્ડીંગ ભૂતિયા મહેલની જેમ અધૂરુંને અધૂરું રહ્યું હતું. દરમિયાન નગરપાલિકાને સ્થાને હવે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા હવે રૂ.3.5 કરોડના ખર્ચે અધૂરા બિલ્ડિંગને છ માસમાં પૂર્ણ કરવા કોન્ટ્રાકટ આપ્યો છે. જેમાં કચેરીના ફર્નિચરથી લઈ લિફ્ટ સહિતની સુવિધા આપવા કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.ઘેઘરું વડ કાપી નાખતા કામ અધૂરું રહેતું હોવાની વાયકા મોરબી મહાનગરપાલિકા કચેરીના પ્રાંગણમાં વર્ષ 2018માં બિલ્ડીંગ બાંધવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. જે તે સમયે અહીં વર્ષો જૂનું વડનું ઘેઘુર વૃક્ષ કાપી નાખવામાં આવ્યું હતું. જોગાનું જોગ આ વૃક્ષ લોકો માટે આસ્થાનું પ્રતીક હોય પ્રકૃતિપ્રેમીઓમાં નારાજગી વ્યાપી ગઈ હતી. બીજીતરફ આ બિલ્ડીંગ બાંધવા માટે ત્રણ-ત્રણ કોન્ટ્રાકટર બદલાઈ ગયા છતાં બાંધકામ પૂર્ણ ન થતા લોકો બિલ્ડિંગને શ્રાપિત ગણી રહ્યા છે. આ સંજોગોમાં હવે નવા કોન્ટ્રાકટરે 3.5 કરોડ રૂપિયાના ખર્ચે અધૂરું કામ પૂર્ણ કરવા કોન્ટ્રાકટ રાખતા આ કામ પૂરું થશે કે કેમ તેની સામે પણ તરેહ-તરેહની ચર્ચા ઉઠી છે.મહાનગરપાલિકા કચેરી માટે રૂ.55 કરોડના ખર્ચે વધુ એક બિલ્ડીંગ બનશે મોરબી મહાનગરપાલિકા કચેરી હાલમાં ફૂલ ફલેન્જ કાર્યરત થઇ છે. જો કે, શહેરના વ્યવસ્થાપન માટે હયાત નગરપાલિકાનું બિલ્ડીંગ ટૂંકું પડતું હોવાથી અહીં જે બિલ્ડીંગ વર્ષોથી અધૂરું પડ્યું છે તે બિલ્ડીંગ આગામી છ માસમાં પૂર્ણ કરી બાદમાં નવું બિલ્ડીંગ બન્યે જૂની કચેરીને નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરી જૂનું બિલ્ડીંગ તોડી પાડવામાં આવશે અને અહીં રૂ.55 કરોડના ખર્ચે કોર્પોરેશનની મેઈન બિલ્ડીંગ બનાવવામાં આવનાર હોવાનું કોર્પોરેશનના બિલ્ડીંગ વિભાગના ઈજનેર દીપ ફળદુએ જણાવ્યું હતું.નવા બિલ્ડિંગમાં ઓડિટોરિયમ સહિતની સુવિધા મોરબી મહાનગરપાલિકા દ્વારા મુખ્ય બિલ્ડિંગમાં હયાત જગ્યા ટૂંકી પડી રહી હોવાથી જુના અધૂરા બિલ્ડિંગમાં એક માળ વધારવાની સાથે જૂની કચેરી તોડી પાડી ત્યાં પણ ગ્રાઉન્ડ પ્લસ થ્રી એટલે કે, ચાર માળનું બિલ્ડીંગ બનાવવા માટે 55 કરોડનો ખર્ચ મંજૂર થયો હોય હાલમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશનના ઈજનેર દીપ ફળદુના જણાવ્યા પ્રમાણે નવા બિલ્ડીંગમાં ઓડિટોરીયમ, સભાખંડ તેમજ વિવિધ વિભાગની કચેરીઓ અને પદાધિકારીઓ તેમજ અધિકારીઓની ચેમ્બર સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે.અધૂરું બિલ્ડીંગ પૂર્ણ કરવામાં રૂ.દોઢ કરોડનો વધારાનો ખર્ચ મોરબી મહાનગરપાલિકા દ્વારા મુખ્ય કચેરીના આંગણામાં વર્ષોથી અધૂરા ઉભેલા બિલ્ડીંગને બનાવવા માટે 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જો કે, આ અધૂરા બિલ્ડીંગ બનાવવા પાછળ અગાઉ અંદાજે દોઢ કરોડની ધનરાશિ ચૂકવાઈ ગઈ હોવાથી મહાનગરપાલિકાને આ બિલ્ડીંગ અગાઉ જે 3.50 કરોડમાં નિર્માણ થવાની હતી તે બિલ્ડીંગ પાછળ હવે કુલ રૂ.5 કરોડનો ખર્ચ કરવો પડશે.લાપસી બનાવી કામનો પ્રારંભ કરાયો મહાનગરપાલિકાના મુખ્ય બિલ્ડીંગમાં અધૂરું બિલ્ડીંગ બનાવવાના કામમાં અનેક વિઘ્ન આવ્યા હોય હાલમાં કોન્ટ્રાકટ રાખનાર કોન્ટ્રાકટર દ્વારા વિના વિઘ્ને બાંધકામ પૂર્ણ થાય તે માટે બાલિકાઓના હસ્તે કામનો પ્રારંભ કરવાની સાથે ઈશ્વરકૃપા થાય તે માટે અધૂરું કામ શરૂ કરતા પહેલા લાપસીનો પ્રસાદ પણ વેચવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.