મહાપાલિકાનો 137 સ્કે.કિમીનો વિસ્તાર હશે, 5 લાખની વસ્તીનો સમાવેશ થશે : થોડા દિવસો વ્યવસ્થા ગોઠવાતા થશે, આ દરમિયાન કોઈ પણ સેવા ખોરવાઈ નહિ તેની સંપૂર્ણ કાળજી રાખીશું : લોકોને રોડ, પાણી, ગટર સહિતની સારી સુવિધાઓ મળશે મોરબી : મોરબી મહાપાલિકા બની ગયું છે ત્યારે આ મહાપાલિકાનું તંત્ર 45 જેટલા દિવસોમાં ગોઠવાઈ જશે. ત્યારથી લોકોને ખૂબ સારી સવલતો મળતી થઈ જશે. જો કે રોડ- રસ્તા અને ગટરના કામો રાતોરાત થઈ જતા નથી એટલે લોકો પણ ધીરજ રાખે. તંત્ર ખૂબ સારી રીતે કામ કરશે તેવું જિલ્લા કલેકટરે જણાવ્યું છે. મોરબી અપડેટ સાથે વાતચીત કરતા જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ જણાવ્યું કે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી દ્વારા 9 મહાપાલિકાને મંજૂરી આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર અને બે ડે.કમિશનરની નિમણુંક કરવામાં આવી છે. 9 જેટલી ગ્રામ પંચાયતોને તેમાં સમાવવાની વહીવટી પ્રક્રિયા અમે શરૂ કરી દીધેલી છે. આ ગ્રામ પંચાયતોને રોજ બરોજની સેવા મળતી રહે તેમા કોઈ તકલીફ ન થાય તેવી અધિકારીઓને સૂચના આપી દીધી છે.નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવાનો નિર્ણય વહીવટી નિર્ણય છે. એટલે જ રાજ્ય સરકાર તરફ મને વહીવટદારની જવાબદારી સોંપવામાં આવી છે. આ દરમિયાન પ્રજાલક્ષી કામગીરી થતી રહે તે મહત્વનું છે. મહાનગરપાલિકામાં સમાવેશ થયેલ ગ્રામ પંચાયતોને કોઈ તકલીફ ન પડે તેનું આગોતરું આયોજન અત્યારથી કરી લીધું છે. મહાપાલિકામાં 137 સ્કે.કિમીનો વિસ્તાર હશે. 5 લાખથી વધારેની વસ્તીનો સમાવેશ થશે. મોરબીના જે પ્રાણ પ્રશ્નો છે. તેને અસરકારક રીતે નિકાલ કરવાના પ્રયત્ન કરીશું. મહાનગરપાલિકા ગઈકાલે બની એટલે આવતીકાલથી જ બાગ બગીચા બની જશે, ભૂગર્ભ ગટર નખાઈ જશે. એવું ન થઈ શકે. પરંતુ મોરબીના લોકોની જે જરૂરિયાત છે એને અમે ખૂબ સારી રીતે પુરી કરીશું. વિકાસના કામ થશે એવા પૂરતા પ્રયત્નો હું અને અમારી ટીમ દ્વારા કરવામાં આવશે. હાલ પહેલા પ્રથમ માસમાં તો સમગ્ર વહીવટી તંત્ર અને એમનું એસ્ટાબ્લીશ ગોઠવીશું. સાથે સાથે અત્યારે જે સર્વિસ મળી રહી છે એ સર્વિસમાં કોઈ ઘટાડો ના થાય અને એમાં કોઈ તકલીફ ના પડે એની પૂરતી કાળજી રાખશું. આ સાથે વિકાસના કામો જેટલા ઝડપથી બને એટલા ઝડપથી કરવામાં આવશે. મોરબી માટે રાજ્ય સરકાર તરફથી તે સૂચનાઓ મળશે એનું પાલન કરી અને તાત્કાલિક ધોરણે જે કામ કરવાપાત્ર હશે તે કરીશું. મોરબીમાં રોડ રસ્તાની કામગીરી ચાલુ છે એ અટકશે નહીં. ગ્રામ્ય લેવલે પણ જે નાણાપંચની ગ્રાન્ટમાંથી કે અન્ય ગ્રાન્ટમાંથી કામ ચાલુ છે તે કોઈ કામ અટકશે નહીં. તેમના પેમેન્ટ પણ અટકશે નહીં.નમોરબીમાં સારા રોડ રસ્તા, બાગબગીચા, આરોગ્ય સુવિધા, રાત્રીના રોડ ઉપરની લાઈટો, સાફ સફાઈ આ બધા કામો ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે.અત્યારે આપણી પાસે 45 સ્કે.કિમિ વિસ્તાર છે. તેમાં કેટલો સ્ટાફ હતો હવે આ વિસ્તાર વધે છે તેમાં કેટલા સ્ટાફની જરૂર પડશે. આમ આયોજનબદ્ધ રીતે સ્ટાફ વધારવામાં આવશે. લગભગ 45 દિવસમાં ખૂબ સારું તંત્ર ગોઠવાઈ જશે અને 26 જાન્યુઆરી સુધીમાં લોકોને ઘણા બધા સુધારા દેખાશે. હવે મોરબી મહાનગરપાલિકા બની એટલે રાજ્ય સરકારમાંથી ખૂબ સારી ગ્રાન્ટ આવશે. આપણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારા થશે. લોકોને અપીલ છે કે લોકો સહકાર આપે. બધી સુવિધાઓ વિકસાવવામાં થોડોક સમય લાગશે. આપણે જ્યારે જૂના ઘરેથી નવા ઘરે ત્યારે સામાન ટ્રાન્સફર કરીએ ત્યારે એકાદ બે વસ્તુ તૂટે, સેટ થવામાં થોડા દિવસ તકલીફ પડે. આમ કોઈ નાના પ્રશ્નો આવશે. પણ આવા સમયે તંત્રનું ધ્યાન દોરજો. મોરબીના લોકોને સુખાકારી મળે એના માટે તંત્ર હવે તૈયાર છે. લોકો પણ સહકાર આપે તેવી અપીલ છે.