કોર્પોરેશન સવારે 6 થી 2 અને સાંજે 4 થી 12 ના સમયમાં ફરિયાદો દૂર કરશેમોરબી : મોરબી શહેરમાં વર્ષોથી ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યા વિકરાળ બની છે અને લોકો છલકાતી, ઉભરાતી ગટરની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ તંત્રે સ્ટાફ અને સાધનો વધારતા હાલના સમયમાં ભૂગર્ભની ફરિયાદ હળવી બની છે. જો કે, મહાનગર પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની તકલીફનો કાયમી અંત લાવવા હાલમાં એકને બદલે બે શિફ્ટમાં કામગીરી શરૂ કરાવી આઠ ટીમોને મેદાનમાં ઉતારી છે.મોરબી મહાનગર પાલિકાના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી શહેરના શનાળા રોડ, રવાપર રોડ, માધાપર, વજેપર, કાલિકા પ્લોટ, નગર દરવાજા સહિતના વિસ્તારોમાં વર્ષોથી ભૂગર્ભ ગટર છલકાવા અને ઉભરાવાની કાયમી સમસ્યા ઉકેલવા મહાનગર પાલિકા સક્રિયપણે કાર્યરત છે.અત્યાર સુધી મહાનગર પાલિકા દ્વારા માત્ર એક જ શિફ્ટમાં સવારે 8થી સાંજના 6 સુધી કામગીરી કરવામાં આવતી હતી જેમાં ફેરફાર કરી હવેથી દરરોજ સવારે 6 થી બપોરના 2 અને સાંજે 4 થી રાત્રીના 12 વાગ્યા સુધી ભૂગર્ભ ગટરની સમસ્યા ઉકેલવા ટીમોને કાર્યરત રાખવામાં આવશે તેમ જાહેર કરી સપ્ટેમ્બર માસમાં મહાનગર પાલિકાને મળેલી કુલ 1126 પૈકી 703 ફરિયાદોનો નિકાલ કરી બાકીની 424 ફરિયાદો માટે કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.ભૂગર્ભ ગટર સમસ્યા માટે 59 કર્મચારીઓમોરબી મહાનગર પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની સમસ્યા માટે હાલમાં 3 જેટિંગ મશીન, 5 ડિસીલ્ટીંગ મશીન, 7 સુપર વાઇઝર, 13 ડ્રાઇવર અને 39 કામદારોની ટીમને ભૂગર્ભ મોરચે તૈનાત રાખી છે. મહાનગર પાલિકાની ભૂગર્ભ ટીમો દ્વારા હવેથી દિવસ અને મોડીરાત્રી સુધી કામગીરી કરવામાં આવશે જેથી ભૂગર્ભને લગતી સમસ્યા હળવી બનશે તેવો દાવો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો હતો. ફોટો પાડો અને ઓનલાઇન ફરિયાદ કરોમોરબી મહાનગર પાલિકા દ્વારા હવેથી ભૂગર્ભ ગટર સહિતની ફરિયાદ માટે કચેરીએ કે ક્લસ્ટર ઓફિસે નાગરિકોને ધક્કો ખાવો ન પડે તે માટે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન નામની ઓફિસિયલ એપ ઉપર સિસ્ટમ શરૂ કરી છે. જેમાં કોઈપણ નાગરિક ઉભરાતી કે છલકાતી ગટરનો ફોટો પાડી એડ્રેસ મોકલી તંત્ર સુધી ફરિયાદ પહોંચાડી શકશે. ઓનલાઇન મળેલી ફરિયાદોનો પણ તંત્ર તાકીદે ઉકેલ લાવશે.