મોરબી: મોરબી મહાપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ (ANCD) શાખા દ્વારા શહેરને રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં માર્ચ 2025 થી 28 જાન્યુઆરી 2026 સુધીના સમયગાળા દરમિયાન, તંત્રએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 2,379 જેટલા પશુઓને પકડી આજુબાજુની પાંજરાપોળ અને ગૌશાળાઓમાં સુરક્ષિત રીતે ખસેડ્યા છે.પશુ નિયંત્રણની સાથે સાથે વહીવટી પ્રક્રિયાને પણ વેગ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 184 પશુ માલિકોને લાયસન્સ અને 18 વ્યક્તિઓને ઘાસ વેચાણ માટેની પરમિટ આપવામાં આવી છે. આ ઉપરાંત, શહેરી વિસ્તારમાં વસતા લોકોના 33 પેટડોગ (પાલતુ શ્વાન) નું પણ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. મનપા દ્વારા તમામ પશુ માલિકોને પોતાના પશુઓ અને પેટડોગનું રજીસ્ટ્રેશન કરાવી લેવા ખાસ અપીલ કરવામાં આવી છે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા અત્યાર સુધીમાં 1,453 પશુઓનું RFID ટેગિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમજ આગામી દિવસોમાં પણ RFID અને ટેગિંગની આ કામગીરી અવિરત ચાલુ રહેશે તેવું મહાપાલિકાની યાદીમાં જણાવાયુ છે.