મોરબી: શિયાળાની વધતી ઠંડીમાં શહેરી ઘરવિહોણા અને નિરાધાર લોકોના આરોગ્યની સુરક્ષા માટે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા એક મહત્વપૂર્ણ 'નાઈટ-ડ્રાઈવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. કમિશ્નર અને નાયબ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ, તા. 04/12/2025 ના રોજ રાત્રિના સમયે યુ.સી.ડી શાખા અને સંચાલક સંસ્થાના સ્ટાફ દ્વારા ફૂટપાથ અને જાહેર સ્થળો પર રહેતા ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત લેવામાં આવી હતી.આ ડ્રાઈવનો મુખ્ય હેતુ ઠંડીની વિપરીત અસરથી બચાવવા માટે ઘરવિહોણા લોકોને મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે સ્થળાંતરિત કરવાનો હતો. કાઉન્સેલિંગ દ્વારા તેમને આશ્રયગૃહનો લાભ લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ રાત્રી દરમિયાનની ખાસ કામગીરી દ્વારા કુલ 26 ઘરવિહોણા લોકોને તેમના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા હતા.'શ્રી સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા' દ્વારા સંચાલિત આ આશ્રયગૃહમાં ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. મોરબી મહાપાલિકાના કમિશ્નરે શહેરના વધુને વધુ ઘરવિહોણા લોકોને આ આશ્રયગૃહની સુવિધાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે.લાભ લેવા માટે મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ, મોરબી મો. નં. 9726501810 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.