કંડલા બાયપાસ નજીક વર્ષોથી અધૂરી આવાસ યોજના તેમજ મચ્છુ નદીમાં પુલ બનાવવા કન્સલ્ટન્ટની નિમણુંક કરવાની બાબત પણ એજન્ડામાંમોરબી : મોરબી મહાનગર પાલિકા ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક યોજાશે, જેમાં શહેરની જીવાદોરી મચ્છુ-2 ડેમમાં ઇન્ટેક વોલ બનાવવી, કંડલા બાયપાસ નજીક વર્ષોથી અધૂરી રહેલી આવાસ યોજના અંગે નિર્ણય લેવો તેમજ મચ્છુ નદીમાં પુલ બનાવવાના પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટની નિમણુંક કરવા સહિતની 14 બાબતોને એજન્ડામાં સમાવવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ આજે મોરબી કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સાંજે 4 વાગ્યે યોજાશે જેમાં શહેરના વિકાસ, સ્વચ્છતા અને જાહેર સુવિધાઓને સ્પર્શતી કુલ 14 બાબતો એજન્ડામાં સમાવવામાં આવી છે જેની ચર્ચા વિચારણા કરી નિર્ણયો લેવામાં આવશે. મુખ્ય મુદ્દાઓમાં,શહેરની જીવાદારી મચ્છુ-2 ડેમ ખાતે 150 MLD નો નવો ઇન્ટેક વેલ બનાવવાની યોજના, કંડલા બાયપાસ રોડ પર આવેલ આવાસ યોજનાના 608 આવાસોના બાકી રહેલા અધૂરા કામો ઝડપથી પૂર્ણ કરવા ઉપરાંત, શહેરમાં આંતરમાળખાકીય સુવિધા સુધારવા માટે મચ્છુ નદી પર અપસ્ટ્રીમ બ્રિજના ડિઝાઇન વેરિફિકેશન માટે કન્સલ્ટન્ટની નિમણૂક તેમજ ઓફિસ બિલ્ડિંગના બાકી કામોની સમીક્ષા હાથ ધરાશે. સાથે જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં હિટાચી અને ક્રેન ડ્રાઈવર સપ્લાય કરવા, વોર્ડ નંબર વોર્ડ 1થી 13ના વિવિધ કચરા કલેક્શન પોઇન્ટ્સના બાકી બિલોની ચુકવણી માટે સ્વ-ભંડોળમાંનો ઉપયોગ કરવા નિર્ણય કરવાની બાબત તેમજ ભૌગોલિક કારણોસર શક્તિશનાળા તળાવના બદલે રવાપર-ઘુનડા રોડ પર આવેલા હેલીપેડ વાળા તળાવનો વિકાસ કરવા અને નંદી ઘર માટે ઘાસચારો તથા સુવિધાઓ ઊભી કરવા કટોકટી ભંડોળ ફાળવવાની દરખાસ્તનો પણ આ બેઠકમાં નિર્ણય કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.