મોરબી: મોરબી મહાનગરપાલિકાના વહીવટદાર અને કમિશનર દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-2027 માટેના કરના દરો જાહેર કરવામાં આવ્યા છે. આ નવા દરોમાં મોરબીના નગરજનો પર વધારાના વેરાનો કોઈ બોજ નાખવામાં આવ્યો નથી. એક તરફ તંત્ર દ્વારા ટેક્સમાં કોઈ વધારો કરાયો નથી, તો બીજી તરફ મિલકત વેરો ન ભરતા બાકીદારો સામે લાલ આંખ કરીને મિલકતો સીલ કરવાની અને કનેક્શન કાપવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટેક્સમાં કોઈ જ વધારો નહીં:આગામી વર્ષ માટે મિલકત વેરા, પાણી વેરા કે અન્ય કોઈપણ કન્ઝર્વન્સી વેરામાં એક પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નથી. મોંઘવારીના આ સમયમાં મોરબીના મધ્યમ અને શ્રમિક વર્ગને આર્થિક રાહત મળે તે હેતુથી આ પ્રજાલક્ષી નિર્ણય લેવાયો છે. ટેક્સ વધારવાને બદલે સરકારની વિવિધ ગ્રાન્ટો અને જૂની વસૂલાત પર ધ્યાન કેન્દ્રિત કરીને શહેરના રસ્તા, ગટર અને પાણીની સુવિધા સુધારવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એડવાન્સ ટેક્સ ભરનારને 10% રિબેટ:સમયસર વેરો ભરનારા જાગૃત નાગરિકો માટે એડવાન્સ ટેક્સ રિબેટ યોજના ચાલુ રાખવામાં આવી છે. - ૦૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર સુધી મિલકત વેરા પર ૧૦% વળતર આપવામાં આવશે. નાગરિકો મહાનગરપાલિકાના પોર્ટલ પરથી ઓનલાઈન વેરો ભરીને પણ આ વળતર મેળવી શકે છે. બાકીદારો સામે લાલ આંખ: મિલકતો સીલ, નળ કનેક્શન કપાયા:વર્ષ 2025-26નો ટેક્સ ન ભરનાર બાકીદારો પાસેથી વસૂલાતની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. - અત્યાર સુધીમાં મિલકતવેરો ન ભરનાર 376 આસામીઓને નોટિસ અને વોરંટ આપવામાં આવ્યા છે. - હાલ 58 મિલકત ધારકોની મિલકત સીલ કરવામાં આવી છે. - રહેણાંક મિલકતમાં વેરો ભરપાઈ ન કરનાર 2 આસામીઓના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. - આગામી સમયમાં જે રહેણાંક મિલકતનો રૂ. 10,000 થી વધુ મિલકતવેરો બાકી હશે, તેમને રૂબરૂ કે મોબાઈલથી જાણ કર્યા બાદ પણ જો ટેક્સ નહીં ભરાય તો નળ અને ડ્રેનેજ કનેકશન કાપવામાં આવશે. વસૂલાત ઝુંબેશથી કરોડોની આવક:સીલિંગની કડક કામગીરી દરમિયાન શહેર વિસ્તારમાંથી કુલ રૂ. 25.75 કરોડની આવક થઈ છે. ક્લસ્ટર અને ગ્રામ્ય વિસ્તારમાંથી રૂ. 2.45 કરોડની આવક મિલકત વેરા શાખાને થઈ છે. 18 બાકીદારોએ પોતાની બાકી રકમ ભરપાઈ કરી દેતા તેઓની મિલકતોના સીલ ખોલવામાં આવ્યા છે. ટેક્સ ભરવા માટેની ખાસ સુવિધાઓ:બાકીદારો માટે વોરંટ અને સીલિંગની કાર્યવાહી 31-03-2026 સુધી ચાલુ રહેશે, આ સમયગાળા દરમિયાન દર શનિવારે પણ મિલકત વેરો સ્વીકારવામાં આવશે. મુખ્ય કચેરી ખાતે સવારે 10:30 થી સાંજે 5:00 વાગ્યા સુધી અને વિવિધ 11 ક્લસ્ટર ઓફિસો ખાતે સવારે 10:30 થી સાંજના 04:00 વાગ્યા સુધી વેરો ભરી શકાશે. મુખ્ય કચેરીના રૂમ નં-9માં POS મશીન દ્વારા પણ વેરો સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. નગરજનો ઘરે બેઠા વેબસાઈટ (https://mmcgujarat.in/) અથવા પ્લેસ્ટોર અને એપલ સ્ટોર પરથી 'Morbi Municipal Corporation' મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓનલાઈન સરળતાથી ટેક્સ ભરી શકે છે. #Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #PropertyTax #TaxRebate #MorbiNews #DigitalMorbi