મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ન જાળવતા લોકો સામે દંડનીય કાર્વયાહી કરવામાં આવી રહી છે અને સાથે જ જાહેરમાં આવા લોકોના ફોટો પણ પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થુંકતાં લોકોના ફોટો બેનરોમાં લગાવીને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેથી અન્ય લોકો આવી પ્રવૃત્તિ કરતા અટકે.આ અંગે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સ્વચ્છતા બાબતે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. લોકો તરફથી પણ સારો સહકાર મળી રહ્યો છે. પરંતુ ઘણી બધી વિનંતી અને આગ્રહ છતાં કેટલાક લોકો સ્વચ્છતા બાબતે સહકાર આપતા નથી. જે અંગે જાહેરમાં યુરિન કરતાં લોકોના ફોટો જાહેરમાં પ્રદર્શિત કર્યા હતા. એવી જ રીતે હવે જે લોકો જાહેરમાં થુંકતાં હતા તે લોકોના પણ ફોટો જાહેરમાં લગાવવામાં આવ્યા છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા થુંકતાં લોકોના ફોટો પાડીને જાહેરમાં મૂકવામાં આવી રહ્યા છે. જાહેરમાં થુંકતાં લોકોને નિયમ પ્રમાણે 200 રૂપિયાથી લઈને 1 હજાર રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. આ પ્રકારની કાર્યવાહી કરવાનો આશય એ છે કે લોકો સ્વચ્છતા બાબતે સભાન બને અને આવી પ્રવૃતિઓ કરતાં રોકાય.