મોરબી: મોરબી મહાપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તાજેતરમાં ફાયર સેફ્ટી અને પ્રિવેન્શન અંગેની સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે. ગત તા. 06/01/2026 થી 12/01/2026 દરમિયાન શહેરની 05 ઇન્ડસ્ટ્રીઝમાં કુલ 107 કર્મચારીઓને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગનો મુખ્ય હેતુ લોકોને ફાયરના સાધનોના યોગ્ય ઉપયોગ અંગે માહિતગાર કરવાનો અને ઈમરજન્સી સમયે જાન-માલનું નુકસાન અટકાવવાનો છે.તંત્ર દ્વારા વધુ સાવચેતીના ભાગરૂપે વિવિધ સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે બિલ્ડિંગો પાસે ફાયર NOC નહોતું, તેમને નોટિસ ફટકારીને જરૂરી ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના અપાઈ હતી. અગાઉ અપાયેલી નોટિસોના પરિણામે હકારાત્મક અસર જોવા મળી છે, જેમાં 172 કોમ્પ્લેક્ષ અને 34 સમાજવાડીમાં ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી ચાલુ કરાઈ છે. આ ઉપરાંત, આ સપ્તાહમાં 04 નવા ફાયર સેફ્ટી અપ્રૂવલની અરજીઓ આર.એફ.ઓ. કચેરીમાં મોકલી આપવામાં આવી છે.તાજેતરમાં મોરબીમાં બે સ્થળોએ આગની ઘટનાઓ બની હતી, જેમાં ફાયર ફાઈટરોએ આધુનિક PPE કીટ જેવી કે હેલ્મેટ, ગમબૂટ, વન લેયર શૂટ અને હેન્ડ ગ્લોઝથી સજ્જ થઈને સફળતાપૂર્વક આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ નાની-મોટી દુર્ઘટના સમયે તાત્કાલિક મોરબી ફાયર સર્વિસના નંબર (02822) 230050, 101 અથવા 112 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.