મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 (શહેરી) અન્વયેના બેનીફિશયરી લેડ કન્સ્ટ્રકશન (BLC) ઘટકના ઓનલાઈન ડિમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પનું આયોજન તા. 6-4-2025 ને રવિવારના રોજ સવારે 11 થી સાંજના 5 કલાક દરમ્યાન રેનબસેરા બિલ્ડીંગ, સિટી સિવિક સેન્ટર ઉપર, રેલવે સ્ટેશન સામે, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગ કોડના ધારા- ધોરણ અનુસાર તમામ હવામાનને અનુરૂપ 30 થી 45 ચો. મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ કરી શકાશે. જે માટે પ્રતિ આવાસ દીઠ કેન્દ્ર સરકાર દ્વારા રકમ રૂ. 1,50,000 અને રાજ્ય સરકાર દ્વારા રકમ રૂ. 2,50,000 એમ કુલ મળી રકમ 4,00,000ની સહાય 4 હપ્તામાં મળવા પાત્ર રહેશે. જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના નાગરિકો કે જેઓ પોતાની માલિકીનું કાચું, અર્ધ કાચું, જર્જરિત કે ખુલ્લો પ્લોટ ધરાવે છે અને જેઓની કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખ સુધીની છે અને સમગ્ર દેશમાંથી અગાઉ આવાસની યોજનાનો કોઈપણ ઘટકમાં લાભ લીધો નથી. તેવા લાભાર્થીઓ પોતાની માલિકીનું પાકું નવું મકાન બાંધકામ કરવા ઈચ્છે છે તેઓને ઓનલાઈન ડિમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.