મહાનગરપાલિકા કચેરીથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી યોજાયેલી રેલીમાં મેયર, ડેપ્યુટી કમિશનર, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને શહેરીજનો જોડાયામોરબી: મોરબી શહેરમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા અને રાજ્ય સરકારની 'પ્લાસ્ટિક હટાવો ઝુંબેશ'ને સમર્થન આપવા મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે એક સ્વચ્છતા જનજાગૃતિ રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો પ્રારંભ મોરબી મહાનગરપાલિકાના પટાંગણથી કરવામાં આવ્યો હતો. આશરે 1.5 કિલોમીટર લાંબી આ રેલી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી પહોંચીને સંપન્ન થઈ હતી. રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ તકે મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સ્વચ્છ ભારત મિશન'ના સંકલ્પ હેઠળ મોરબીને સ્વચ્છ, સુંદર અને રળિયામણું બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ રેલીમાં કોર્પોરેટરો, સંગઠનના આગેવાનો, હોદ્દેદારો, અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. તેઓએ મોરબીવાસીઓને અપીલ કરી હતી કે સ્વચ્છતા માટે જાગૃત બનીએ, જ્યાં-ત્યાં કચરો ન ફેંકીએ અને શહેરમાં ગંદકી ન થાય તેની ખાસ તકેદારી રાખીએ.ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 8 થી 14 તારીખ સુધી 'પ્લાસ્ટિક હટાવો ઝુંબેશ' શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે અને સ્વચ્છતા પ્રત્યે સભાન બને તે હેતુથી આ જનજાગૃતિ રેલી યોજાઈ હતી. જેમાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાયા હતા. આગામી પખવાડિયા દરમિયાન નાગરિકો બિનઅધિકૃત અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળે અને એકત્ર થયેલું પ્લાસ્ટિક મહાનગરપાલિકાની ટીમને જ સોંપે તેવી નગરજનોને અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #SwachhBharat #SwachhtaRally #PlasticBan #MorbiMunicipalCorporation #CleanMorbi #MorbiNews #Gujarat