તમામ સંસ્થાઓ જ્યા સુધી ફાયર સેફટી અંગેનું એનઓસી નહિ મેળવે ત્યાં સુધી તેને બંધ જ રાખવાનો આદેશ મોરબી : મોરબી પાલિકાએ આજે ફાયર સેફટી વિહોણી ૫૬ સંસ્થાઓને નોટિસ ફટકારીને તેને બંધ કરાવી છે. જ્યા સુધી આ સંસ્થાઓ ફાયર સેફટીની પૂરતી વ્યવસ્થા કરીને એનઓસી નહિ મેળવે ત્યાં સુધી તેને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર સુરતની આગની દુર્ઘટનાને પગલે મોરબી પાલિકાએ ફાયર સેફટીના નિયમોનુ ઉલ્લંઘન કરતી સંસ્થાઓ ઉપર તવાઈ ઉતારી છે. આજે પાલિકાની બે ટીમોએ શહેરભરમાં વિસ્તારોને ધમરોળીને ટ્યુશન કલાસિસ, શાળાઓ , જીમો તેમજ કોમર્શ6 કોપ્લેક્ષ અને મોલ સહિતના સ્થળોએ ચેકીંગ હાથ ધર્યું હતું. આ ચેકીંગ વેળાએ ૫૬ સંસ્થાઓમા ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. જેથી પાલિકાએ આ તમામ સંસ્થાઓને નોટિસો ફટકારી છે. આ નોટિસમાં સંસ્થાઓને તેની સામે પગલાં કેમ ન ભરવા તે વિશે ત્રણ દિવસમાં જવાબ આપવાનું જણાવાયું છે. વધુમાં આ ૫૬ સંસ્થાઓને બંધ કરવાનો પણ પાલિકાએ આદેશ કર્યો છે. આ સંસ્થાઓ જ્યા સુધી ફાયર સેફટીની તમામ પોલીસીનું અનુકરણ કરીને એનઓસી ન મેળવે ત્યાં સુધી તેને બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જો સંસ્થાઓ આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તેની સામે ફોજદારી કાર્યવાહી કરવાનું પણ જણાવાયું છે.