શહેરના 34,738 અને ગ્રામ્યના 13,564 મિલ્કતધારકોએ પોતાનો વેરો જમા કરાવી દીધોમોરબી : મોરબીને મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કામગીરીને વધુ વેગવાન બનાવવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં શહેરી વિસ્તારમાં કુલ 66.02 કરોડના માંગણા સામે અત્યાર સુધીમાં 15.04 કરોડ રૂપિયાની આવક તિજોરીમાં જમા થઈ છે. આવી જ રીતે નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 4.56 કરોડ માંગણા સામે 1.47 કરોડ રૂપિયાની આવક થઈ છે. આમ મહાપાલિકાની કુલ વેરા વસુલાત 16.51 કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે.મોરબી શહેરના કુલ 96,872 મિલકત ધારકો પૈકી 34,738 આસામીઓએ પ્રમાણિકપણે પોતાનો વેરો ચૂકવી દીધો છે. શહેરી વિસ્તારની સાથે સાથે મહાનગરપાલિકાની હદમાં નવા ભળેલા 9 ગ્રામ્ય વિસ્તારોમાં પણ વેરા વસુલાત ઝુંબેશને કરદાતાઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ 9 ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 27,739 મિલકત ધારકો નોંધાયેલા છે, જેમાંથી 13,564 આસામીઓએ સમયસર પોતાનો મિલકત વેરો જમા કરાવી દીધો છે. આ આંકડા દર્શાવે છે કે નવા ભળેલા વિસ્તારોના નાગરિકો પણ શહેરના માળખાગત વિકાસમાં પોતાનું યોગદાન આપવા માટે જાગૃત છે. મહાનગરપાલિકા દ્વારા 30 સપ્ટેમ્બર સુધીમાં એડવાન્સ ટેક્સ ભરનાર નાગરિકોને 10% રિબેટ આપવામાં આવી રહ્યું છે. આ રિબેટ યોજનાને હવે 14 દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા બાકી રહેલા મિલકત ધારકોને સત્વરે વેરો ભરીને 10 ટકા વળતરનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. જે લોકો સમયમર્યાદામાં વેરો નહિ ભરે તેની સામે તંત્ર દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વેરા વસુલાતની પ્રક્રિયા ઓનલાઈન થતા વધુ પારદર્શક અને સરળ બની છે. ઓનલાઈન માધ્યમના કારણે લોકો હવે ઘર બેઠા સરળતાથી ટેક્સ ભરી શકે છે. કરદાતાઓએ રિબેટ યોજના હેઠળ થયો રૂ.49.57 લાખનો ફાયદોમોરબી મહાનગરપાલિકા દ્વારા નિયમિત અને એડવાન્સ વેરો ભરતા નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ રિબેટ યોજના અમલમાં મૂકવામાં આવી છે. એપ્રિલ 2026 થી 13 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં સમયસર વેરો ચૂકવનારા નાગરિકોને 10% થી લઈને 12% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આ સ્કીમ હેઠળ અત્યાર સુધીમાં મોરબીના કરદાતાઓને કુલ 49.57 લાખ રૂપિયાનો માતબર રિબેટ લાભ મળ્યો છે. નવા ભળેલા 9 ગામોમાં પણ કરદાતાઓએ દેખાડ્યો ઉત્સાહમોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તરણ બાદ તેમાં 9 જેટલા નવા ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવા વિસ્તારોમાં આગામી સમયમાં પ્રાથમિક સુવિધાઓ વધવાની અપેક્ષા સાથે લોકોમાં વેરો ભરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે અહીં જ્યારે પંચાયતો હતી ત્યારે વેરો ભરવાથી દૂર ભાગતા લોકો અત્યારે કોર્પોરેશનમાં વેરો ભરપાઈ કરી રહ્યા છે.