મોરબી : મોરબી મહાનગરપાલિકાની બીજી સામાન્ય સભા આજે યોજાઈ હતી. જેમાં પ્રથમ સભા મેયર અને ડેપ્યુટી મેયરની વરણી માટે હતી, જ્યારે આ બીજી સભામાં શહેરના વિવિધ પ્રશ્નો અને ઠરાવો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સભામાં સત્તાધારી ભાજપના જ કોર્પોરેટરો દ્વારા પોતાના જ શાસનમાં અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાની, વિસ્તારમાં કામ ન થતા હોવાની અને નંદીઘરની બદતર હાલત અંગે આકરા સવાલો ઉઠાવી સભા ગજવી હતી. સભામાં રજૂ કરાયેલા તમામ 4 ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.વેતન અને ભથ્થાનો નિર્ણય તથા નવા નિયમોશહેરી વિકાસ વિભાગના તારીખ 8-6-2026 ના પત્ર અન્વયે સામાન્ય સભામાં કોર્પોરેટરો માટે માસિક 7000 રૂપિયા માનદ વેતન નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મીટિંગ ભથ્થું 500, ટેલિફોન ભથ્થું 1000 અને સ્ટેશનરી ભથ્થું 1500 રૂપિયા નક્કી કરાયું છે. આ તમામનો અમલ 1 જુલાઈથી થશે. જોકે, વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર ભાવિક જારિયા અને વોર્ડ નંબર 10 ના ગણેશ ડાભી દ્વારા આ માનદ વેતન કે ભથ્થું ન લેવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે સ્થાયી સમિતિ, મેયર અને ડેપ્યુટી મેયરની ઓફિસ માટે માસિક 15000 રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. મોરબી નવી મહાનગરપાલિકા હોવાથી તેનું સંચાલન કેવી રીતે કરવું તેના કોઈ નિયમો બનેલા ન હોવાથી, હાલ પૂરતા મેન્ટર કોર્પોરેશન તરીકે રાજકોટ મહાનગરપાલિકાના સામાન્ય સભાના નિયમો અપનાવવાનો ઠરાવ પસાર કરાયો છે.નંદીઘર મુદ્દે કોર્પોરેટર ભૂપત જારિયા આકરા પાણીએવોર્ડ નંબર 3 ના કોર્પોરેટર ભૂપત જારિયા દ્વારા પંચાસર રોડ પર આવેલ નંદીઘરમાં ટપોટપ મરી રહેલા નંદીઓનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નંદીઘરમાં કાળી માટી નાખવામાં આવી છે જેનાથી કીચડ થાય છે અને મોતનો આંકડો વધી શકે છે. 800 થી 900 નંદીઓ વચ્ચે માત્ર 1 શેડ અને પાણીના 3 જ અવાડા છે, જેની નિયમિત સફાઈ થતી નથી અને સ્ટાફ તથા ઘાસચારો પણ પૂરતો નથી. તેમણે બાજુમાં બની રહેલા બિનઉપયોગી ગેરેજની જગ્યામાં પાકું ધાબું કરી નવો શેડ બનાવવા માંગ કરી હતી.આ મુદ્દે મેયરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે નંદીઘરનું સંચાલન કરતી એજન્સીને બરખાસ્ત કરવામાં આવી છે અને બેદરકારી દાખવનાર HOD ને સસ્પેન્ડ કરાયા છે. હાલ ઢોર પકડવાવાળા સ્ટાફને ત્યાં ડાયવર્ટ કરાયો છે અને વિશ્વ હિન્દુ પરિષદ તથા ગૌપ્રેમીઓના સહયોગથી દરરોજ 1 ટ્રક લીલો ઘાસચારો અને પાણીના ટેન્કરની વ્યવસ્થા કરાઈ છે. સોમવારે કમિશનર આવ્યા બાદ નવી એજન્સીનું ટેન્ડર બહાર પડાશે.રસ્તાઓ, વિકાસ કામો અને દબાણનો મુદ્દોવોર્ડ નંબર 10 ના ભાવેશ કંજારીયાએ આઇકોનિક રોડ (નાની કેનાલ રોડ) ની પહોળાઈ 20 મીટરથી ઘટાડીને 18 મીટર કરી દેવા મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. આ માટે 52 કોર્પોરેટરોએ લેટર પણ આપ્યો હતો. મેયર અને કમિશનરે ખાતરી આપી હતી કે રોડ અગાઉ નક્કી થયેલી ડિઝાઇન મુજબ 20 મીટરનો જ બનશે. ભાવેશ કંજારીયાએ તેમના વોર્ડમાં GUDC અને પાણીની લાઈન માટે થયેલા ખોદાકામ બાદ ચોમાસા પહેલા તમામ વાડી વિસ્તારોમાં મેટલ ન નખાતા કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને અગાઉ 8 થી 10 પ્રશ્નો રજૂ કર્યા હોવા છતાં કામ ન થવાની રાવ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે નાના દબાણો દૂર થાય છે પરંતુ મોટા દબાણો સામે આંખ આડા કાન કરવામાં આવે છે. આ અંગે મેયરે જણાવ્યું હતું કે દબાણ હટાવવા અઠવાડિયામાં 1 દિવસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. અધિકારીઓની મનમાની અને અન્ય નિર્ણયોસભામાં તમામ કોર્પોરેટરોએ એકસૂરે ફરિયાદ કરી હતી કે મહાનગરપાલિકાના અધિકારીઓ તેમના ફોન ઉપાડતા નથી. કોર્પોરેટર ભાવેશ કંજારીયાએ સ્પષ્ટ કર્યું હતું કે 52 કોર્પોરેટરો વચ્ચે કોઈ રાગદ્વેષ નથી પરંતુ કર્મચારીઓના મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે કામમાં વિલંબ થાય છે. આ ગંભીર બાબતની નોંધ લઈને મેયરે તમામ શાખા અધિકારીઓ (HOD) ને કડક તાકીદ કરી હતી કે કોર્પોરેટરોના ફોન અચૂક ઉપાડવામાં આવે અને તેમના પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવામાં આવે. આ ઉપરાંત સ્થાયી સમિતિના ઠરાવ નંબર 3 મુજબ માંસની દુકાન અને કતલખાનાના પેટા કાયદાઓને મંજૂરી આપવામાં આવી હતી અને આગામી દિવસોમાં ફૂડ સેફ્ટી તથા કતલખાનાના લાયસન્સ ચેકિંગની કાર્યવાહી પણ લેખિત સૂચના આપી હાથ ધરાશે.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #MorbiNews #GeneralBoardMeeting #BhupatJariya #BhaveshKanjariya #GujaratNews