નંદીઘરની અગાઉની એજન્સીની કામગીરી નબળી જણાતા મહાપાલિકાએ સંચાલન પોતાના હાથમાં લીધું: કમિટી 6 માસ માટે કાર્યરત રહેશેમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા પંચાસર રોડ પર આવેલા STP ની બાજુમાં કાર્યરત નંદીઘરની કામગીરી પર દેખરેખ રાખવા માટે એક નવી મોનીટરીંગ સમિતિની રચના કરવામાં આવી છે. મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી (IAS) દ્વારા આ અંગેનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. અગાઉ ટેન્ડર પ્રક્રિયા મારફતે પશુબા એજ્યુકેશન ટ્રસ્ટને નંદીઘરનું સંચાલન સોંપવામાં આવ્યું હતું, પરંતુ એજન્સી દ્વારા ટેન્ડરની શરતો મુજબ યોગ્ય કામગીરી ન થતા અવ્યવસ્થા સર્જાઈ હતી. પરિણામે, હાલમાં મોરબી મહાનગરપાલિકાની ટીમ દ્વારા જ નંદીઘરનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ સંચાલન વધુ સુદ્રઢ બને અને નંદીઓ તથા ગૌવંશની સારવાર અને સંભાળ યોગ્ય રીતે લેવાય તે હેતુથી 6 માસ માટે 'નંદીઘર સંચાલન કાર્યકારી મોનીટરીંગ ટીમ' ની રચના કરવામાં આવી છે, જેમાં 7 સભ્યોનો સમાવેશ કરાયો છે.આ મોનીટરીંગ સમિતિમાં કોર્પોરેટર ભૂપેન્દ્રભાઈ લાખાભાઈ જારીયા (વોર્ડ નં. 3), અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયા (વોર્ડ નં. 10), સોનલબેન પ્રફુલભાઈ બાવરવા (વોર્ડ નં. 10), ગણેશભાઈ નાનજીભાઈ ડાભી (વોર્ડ નં. 10), અને ભાવેશભાઈ અરજણભાઈ કંઝારીયા (વોર્ડ નં. 10) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ANCD શાખા અધ્યક્ષ વિપુલ છૈયાં સભ્ય સચિવ તરીકે તેમજ SWM શાખા અધ્યક્ષ દિલીપસિંહ રાઠોડ સમિતિના સભ્ય તરીકે ફરજ બજાવશે.આ સમિતિને વિવિધ મહત્વની કામગીરીઓ અને જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં પૂરતા પ્રમાણમાં સૂકા ઘાસચારાનો સ્ટોક ભેગો કરવો અને તેનું રજીસ્ટર નિભાવવું, નંદીઘરમાં મળતા દૈનિક દાનનું રજીસ્ટર રાખવું તેમજ નવું દાન મેળવવા પ્રયત્ન કરવા, અને પશુઓની આવક-જાવકનું રજીસ્ટર નિભાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નંદીઘરમાં સાફ-સફાઈ જળવાઈ રહે તેની તકેદારી રાખવી, પશુઓના મૃત્યુના કિસ્સામાં તેના સમયસર નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી, પશુઓ માટે પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવી, બીમાર પશુઓ માટે ડૉક્ટર બોલાવવા તથા સારવારની યોગ્ય વ્યવસ્થા કરવી, તેમજ પશુઓને અન્ય પાંજરાપોળમાં મોકલવા માટેની કાર્યવાહી અને વ્યવસ્થા કરવાની જવાબદારી પણ સમિતિની રહેશે. નંદીઘરમાં જરૂરિયાત મુજબ લાઈટ, શેડ, ગમાણ, દીવાલ, ફેન્સિંગ કે પાણીના અવેડા જેવી સુવિધાઓ ઉભી કરવાની અને સ્ટાફને સોંપવામાં આવેલ કામગીરીની દેખરેખ રાખવાની કામગીરી પણ સમિતિએ કરવાની રહેશે.આ તમામ કામગીરીઓ સુચારુ રૂપે થાય તે સુનિશ્ચિત કરવા માટે સમિતિના સભ્ય સચિવ વિપુલ છૈયાં દ્વારા નંદીઘરની કામગીરીનો દૈનિક રિપોર્ટ કમિશનરને રજૂ કરવાનો રહેશે તેવો પણ આદેશમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #NandiGhar #Gauvansh #MorbiNews #GujaratNews #AnimalWelfare