મોરબી : મોરબી શહેરીજનોની સુરક્ષા અને જાગૃતિને ધ્યાનમાં રાખી મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ડેપ્યુટી કમિશનર મોરબી મહાનગરપાલિકાની હાજરીમાં તા. 1-7-2025ના રોજ અત્યંત મહત્વની મોકડ્રિલ યોજવામાં આવી હતી. ગાંધી ચોક મોરબી સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે હોસ્પીટલના ફાયર ઓફિસર દ્વારા હોસ્પિટલના બીજા માળે આગની ઘટના બની હતી. તેમજ 7 - 8 કેઝ્યુલીટી ફસાયા હતા તેવો કોલ મોરબી ફાયર કંટ્રોલરૂમ ખાતે 4:18 કલાકે આવ્યો હતો. મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ કોલ મળતાની 2 થી 3 મિનિટની અંદર જ ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઈટર, ટર્ન ટેબલ લેડર સહિતના તમામ આધુનિક સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, ફાયર જવાનોએ તાત્કાલિક રેસ્ક્યુ લેડરની મદદથી બીજા માળે ફસાયેલા કુલ 6 કેઝ્યુલીટી અને હાલે મોરબી મહાનગરપાલિકાને ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગુજરાત રાજ્ય દ્વારા મળેલ ટર્ન ટેબલ લેડરની મદદથી ચોથા માળે ફસાયેલા 2 કેઝ્યુલીટીને નીચે ઉતારી અને ઇમરજન્સી સારવાર માટે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં શિફ્ટ કરાયા હતા. અંતે આ મોકડ્રિલ જાહેર કરતા હજાર સૌએ રાહત મેળવી હતી. અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ ખૂબ જ સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો. આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ લોકોને હોસ્પિટલમાં આગ કે અન્ય કોઈ દુર્ઘટના બને ત્યારે કઈ રીતે કેઝ્યુલીટીને બચાવવી. આ મોકડ્રિલ અને રેસ્ક્યુ કામગીરીએ ફાયર બ્રિગેડની સજ્જતા અને આધુનિક સાધનોની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. જે તેમની કાર્યક્ષમતા દર્શાવે છે. આ પ્રકારની મોકડ્રિલ શહેરીજનોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધારવામાં અને ઇમરજન્સી પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિભાવ આપવામાં મદદરૂપ થશે.