ચાલુ વર્ષે નગરપાલિકાએ 9 મહિનામાં રૂ.11.03 કરોડની વસુલાત કરી હતી, જ્યારે મહાપાલિકાએ માત્ર 3 જ મહિનામાં 12.01 કરોડની વસુલાત કરી : શહેરના 85 હજાર પૈકી 35,900 પ્રામાણિક કરદાતાઓએ ભર્યો વેરો મોરબી :મોરબી નગરપાલિકા સમયથી લઈ મહાનગર પાલિકા સુધીની સફરમાં વેરા વસૂલાતમાં વર્ષ 2025માં ઇતિહાસ રચાયો છે. મહાનગર પાલિકાના અધિકારીઓની કુનેહ અને મિલ્કત જપ્તીના દંડા સામે કરદાતાઓ દોડતા થતા આ વખતે પ્રથમ વખત જ મોરબી શહેરમાં વેરા વસુલાતની આવકનો આંકડો 23.04 કરોડને આંબી ગયો છે. જો કે, મોરબી શહેરમાં નોંધાયેલ કુલ કરદાતાઓ પૈકી 42.24 ટકા લોકોએ કર ભર્યો હોવા છતાં વિક્રમી આવક થઇ છે ત્યારે જો 100 ટકા કરદાતાઓ પોતાની ફરજ સમજી વેરો ભરપાઈ કરે તો શહેરની સુખાકારીમાં સો ટકા વધારો શક્ય છે.મોરબી શહેરમાં રહેણાક અને કોમર્શિયલ મળી કુલ 85 હજાર જેટલા કરદાતાઓ નોંધાયેલ છે જે પૈકી વર્ષ 2024-25માં મોરબી નગરપાલિકા અને મહાનગરપાલિકાના મિશ્ર શાસનમાં કુલ 35,900 જેટલા પ્રમાણિક કરદાતાઓએ વેરો ભરપાઈ કરતા મહાનગર પાલિકાને ચાલુ વર્ષમાં વિક્રમી કહી શકાય તેવી 23,04,87,684ની આવક થવા પામી છે. વર્ષ 2024-25માં મોરબી મહાનગર પાલિકાના 65 કરોડના માંગણા સામે 23.04 કરોડની આવક થતા આ આવક મોરબીના ઇતિહાસમાં સૌથી વધુ ગણાઈ રહી છે. આ અગાઉ મોરબી નગરપાલિકાને વર્ષ 2022-23માં 14.81 કરોડ અને વર્ષ 23-24માં રૂ.12.43 કરોડની આવક થઇ હતી.એકલા માર્ચ મહિનામાં જ મહાપાલિકાની તિજોરીમાં 7 કરોડથી વધુની વેરાની આવક ઠલાવાઈ હતી.ઉલ્લેખનીય છે કે, મોરબી શહેરમાં કુલ 85,000 જેટલી મિલ્કત નોંધાયેલ છે જે પૈકી 35,900 જેટલા લોકોએ ચાલુ વર્ષમાં પોતાનો વેરો ભરપાઈ કર્યો છે. જો કે, વર્ષોથી મિલકતવેરો નહીં ભરનાર આળસુ કરદાતાઓ સામે મોરબી મહાનગર પાલિકાએ છેલ્લા બે મહિનાઓમાં કડક કાર્યવાહી કરી 10 હજારથી માંડીને એક લાખથી વધુ મિલ્કતવેરો બાકી હોય તેવા કરદાતાઓ વિરુદ્ધ મિલ્કત જપ્તી અને નળ જોડાણ કટ્ટ કરવાની કાર્યવાહી કરતા આ કડક કાર્યવાહીની અસર જોવા મળી છે. મહાપાલિકાએ છેલ્લા બે માસમાં જ 37 જેટલી મિલ્કતો પણ સીલ કરી અને 8 જેટલા નળ કનેકશનો કાપી નાંખી બાકી વેરા હોય તેવા મિલ્કત ધારકો દોડતા થયા હોવાનું મનાઈ રહ્યું છે.જો કે હવે આગામી 10 તારીખ પછી નવા વર્ષની ટેક્ષ ઉઘરાવવાની કામગીરી શરુ કરાશે.મ્યુનિ.કમિશનરે હાઉસટેક્સની કામગીરી બિરદાવીમોરબી મહાનગર પાલિકાને વેરા વસુલાતની 23.04 કરોડની વિક્રમી આવક થઇ છે જેમાં ફક્ત માર્ચ મહિનામાં જ 7,04 કરોડ રૂપિયાની આવક કોર્પોરેશનની તિજોરીમાં જમા થઇ છે ત્યારે છેલ્લા 12 દિવસથી દિવસ-રાત વેરા વસુલાતની કામગીરી કરનાર કર્મચારીઓની કામગીરીને મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ બિરદાવી હતી અને રાત્રે ટેક્સ વિભાગની મુલાકાત લઈ કર્મચારીઓને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા.