3 જેટિંગ મશીનની મદદથી ચાર દિવસમાં 16 ટન કચરો કઢાયો મોરબી : ચોમાસુ નજીક છે ત્યારે ચોમાસામાં ભૂગર્ભ ગટર ઉભરાવાના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત મોરબી શહેરમાં ગટરની કુંડીઓની સફાઈ શરૂ કરવામાં આવી છે. મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસથી ભૂગર્ભ ગટરની કુંડીમાંથી ગાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. મનપા દ્વારા પ્રથમ વખત આ રીતે કામગીરી કરાઈ રહી છે. વરસાદી પાણીનો જ્યાંથી નિકાલ થતો હોય તેવા મુખ્ય રસ્તાઓ પર આવેલી ભૂગર્ભ ગટરની કુંડીઓની સફાઈ કરવામાં આવી રહી છે. જેમાં પંચાસર રોડ, મહેન્દ્રપરા, લાતી પ્લોટ, આસ્વાદ પાન વાળી શેરી, જુના બસ સ્ટેન્ડ, કુબેરનગર, નવલખી રોડ, નાની વાવડી રોડ, મિલનપાર્ક સહિતના રોડ કે જ્યાંથી પાણી નીકળતું હોય તેવી મુખ્ય લાઈનો સાફ કરવામાં આવી રહી છે. છેલ્લા ચાર દિવસથી 3 જેટિંગ મશીનની મદદથી 10 જેટલા કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે અને અત્યાર સુધી 16 ટન જેટલો કચરો કાઢવામાં આવ્યો છે.