મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયાને વધુ પારદર્શક અને લોકાભિમુખ બનાવવા માટે મનપા દ્વારા શહેરીજનો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા, જેમાં ૧૪૯ પ્રબુદ્ધ નાગરિકોએ ડિજિટલ માધ્યમથી પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. જનભાગીદારી: રોડ અને બ્રિજ માટે સૌથી વધુ માંગમનપા દ્વારા ગત તા. ૨૦-૧૨-૨૦૨૫ થી ૨૬-૦૧-૨૦૨૬ સુધી વેબસાઇટ અને ક્યુઆર કોડ સ્કેનર મારફતે સૂચનો સ્વીકારવામાં આવ્યા હતા. કુલ ૧૪૯ નાગરિકોએ મનપાની વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા વિકાસલક્ષી સૂચનો મોકલ્યા છે. આ પૈકી સૌથી વધુ ૫૨ સૂચનો શહેરના જાહેર માર્ગો અને બ્રિજની સુવિધા સુધારવા અંગે મળ્યા છે. નાગરિકોએ લાયબ્રેરી, હેલ્થ, ગાર્ડન, વોટર સપ્લાય, ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ જેવા મહત્વના વિષયો પર પણ ધ્યાન દોર્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રગતિ હેઠળના કામોની સમીક્ષાબજેટની જાહેરાત સાથે મનપાએ ચાલુ વર્ષે ચાલી રહેલા વિકાસકાર્યોની વિગતો પણ રજૂ કરી છે:માર્ગ અને પુલ: નવલખી વેજીટેબલ આઇકોનીક રોડનું ૫૫% કામ પૂર્ણ થયું છે. ઉમિયા સર્કલ થી નવા બ્રિજ સુધી ₹૭૫ કરોડના ખર્ચે બનનારા અધતન બ્રિજ માટે વર્ક ઓર્ડર આપી દેવાયો છે. નાની કેનાલ રોડનું કામ પણ હાલ પ્રગતિ હેઠળ છે. પાણી અને સિંચાઈ: પાનેલી જળાશયના નવીનીકરણ માટે ₹૫૦ કરોડનો વર્ક ઓર્ડર અપાયો છે. નાગરિકોને નિયમિત પાણી મળે તે માટે લીલાપર ચોકડી થી દલવાડી સર્કલ સુધી મુખ્ય કેનાલ પર કંડયુટ કામગીરીનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. આરોગ્ય અને સુવિધા: વાંકાનેર દરવાજા, સો-ઓરડી, જૂથનો ડેલો અને વાવડી રોડ વિસ્તારમાં યુ.એચ.સી. (UHC) સેન્ટરના બિલ્ડીંગનું નિર્માણ થઈ રહ્યું છે. બજરંગ અખાડા પાસે વ્યાયામ શાળાનું આધુનિકીકરણ અને કોમ્યુનિટી હોલના રિનોવેશનનું કામ પણ ચાલુ છે. ગાર્ડન અને લાયબ્રેરી: સૂરજબાગ, કેસરબાગ અને શંકર આશ્રમ ગાર્ડનના રિનોવેશનની સાથે સૂરજબાગ ખાતે આધુનિક મોર્ડન લાયબ્રેરીનું નિર્માણ પ્રગતિમાં છે. વહીવટી અને ટેકનિકલ સજ્જતાફાયર વિભાગ: કટોકટીના સમયે ઝડપી કામગીરી માટે ₹૧૮ કરોડના ખર્ચે નવા સાધનો ખરીદવાનો વર્ક ઓર્ડર અપાયો છે. સ્વચ્છતા અભિયાન: ડ્રેનેજની ફરિયાદોના નિકાલ માટે એજન્સીની નિમણૂક કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ હેઠળ ૨ ફ્રન્ટ હો લોડર, ૨ બેક હો લોડર અને ૩૦૦ વ્હીલબેરો (ટ્રોલી)ની ખરીદી કરવામાં આવી છે. નવા બિલ્ડીંગ: મનપાના વિવિધ વિભાગો માટે નંદીઘર પાસે સ્ટોર બિલ્ડીંગ, એન્જિનિયરિંગ સ્ટોર અને વર્કશોપ બિલ્ડીંગનું કામ પ્રગતિ હેઠળ છે. આગામી વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં નાગરિકોના સૂચનો અને શહેરની જરૂરિયાતોને ધ્યાને રાખીને વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવશે તેવું મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે. સ્રોત: એકાઉન્ટ શાખા, મોરબી મહાનગરપાલિકા