શાળાઓમાં આરોગ્ય સેમિનારનું આયોજન કરી માર્ગદર્શન અપાયુંમોરબી : તારીખ 1 જુલાઈના રોજ ભારતભરમાં નેશનલ ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ ઉજવણીના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા તથા IMA મોરબી દ્વારા મોરબી શહેર ખાતે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય ખાતે આરોગ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. હીના મોરી તથા ડો. પાયલ ફળદુ દ્વારા મેન્સ્ટ્રુઅલ હાયજીન તથા એનેમિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં આશરે 200 જેટલી વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.તાલુકા પ્રાથમિક શાળા નં.1 ખાતે બાળરોગ નિષ્ણાત ડો. ચિરાગ જેતપરીયા અને આર.બી.એસ.કે. ટીમ દ્વારા નાના બાળકોને સ્વચ્છતા અને આરોગ્ય બાબતે સમજ આપવામાં આવી હતી. તથા બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. તદુપરાંત નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે ખાસ કરીને મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબીના ડોકટરો માટે આઇ.એમ.એ. હોલ મોરબી ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર કુંજન પટેલ દ્વારા હોસ્પિટલ બાંધકામને લગતા તથા ફાયર સેફ્ટી ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા ફાયર સેફ્ટીના નિયમો અંગે માહિતી આપવામા આવી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં ડો. અંજના ગઢિયા આઇ.એમ.એ. પ્રમુખ, ડો.હીના મોરી આઇ.એમ.એ. સેક્રેટરી, ડો.રાહુલ કોટડિયા આરોગ્ય અધિકારી, મોરબી મહાનગરપાલિકા તથા બહોળી સંખ્યામા ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.