એકાઉન્ટ પાકિસ્તાનથી હેક કરવામાં આવ્યું હોવાની સંભાવના મોરબી : મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરિશ સરૈયાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ અંગે તેઓએ પોલીસમાં અરજી આપી કાર્યવાહીની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનું ગિરીશ ભરવાડ નામનું ફેસબુક એકાઉન્ટ છે. આ એકાઉન્ટ કોઈએ હેક કરી લીધું હતું. અને તેઓની આઇડીનું નામ પણ ફેરવી નાખવામાં આવ્યું હતું. સાથે સ્થળમાં પણ ચેનચાળા કરીને લાહોર અને કરાચી લખી નાખવામાં આવ્યું હતું. આ અંગે જાણ થતાં તેઓએ પોલીસમાં અરજી કરી પોતાનું એકાઉન્ટ હેક થયું હોવાની જાણ કરી છે. ઉલ્લેખનીય છે કે હાલ સોશિયલ મીડિયાના અતિરેક વચ્ચે સાવધાની રાખવી પણ જરૂરી છે. વધુ પડતી અંગત વિગતો જાહેર કરનારાઓ માટે આ ચેતવા જેવો કિસ્સો છે.