જિલ્લા ભાજપ પ્રમુખે રવાપર રોડ, શનાળા રોડ, શક્તિ પ્લોટ મેઈન રોડ અને આસ્વાદ પાન સુધીના વિસ્તારને જોડતા ચાર માર્ગને ડામર રોડને બદલે સીસીરોડ બનનાવવની ચીફ ઓફિસરને રજુઆત કરી મોરબી : મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા હાલ વરસાદમાં તૂટી ગયેલા માર્ગોનું નવીનીકરણ કરવાની કામગીરી હાથ ઉપર લેવાઈ છે.ખાસ કરીને શહેરના ચાર માર્ગો જ્યાં વાહનોના ઘસારો વધુ રહે છે તે માર્ગો પર ડામર રોડ બનાવવાથી આ માર્ગો લાંબો સમય ટકશે નહિ અને પ્રજાના રૂપિયાનું આંધણ થશે તેમજ લોકોની મુશ્કેલીઓ પણ યથાવત રહેશે તેમ જણાવીને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને રજુઆત કરી આ ચાર માર્ગોને ડામરને બદલે સીસીરોડ બનાવવાની માંગ કરી છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ ચીફ ઓફિસરને રજુઆત કરીને જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકા દ્વારા મોરબી શહેરમાં નવા રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.જે સંદર્ભે જણાવવાનું કે, રવાપર મેઇન રોડ રવાપરની હદથી ગાંધીચોક સુધી, તેમજ શક્તિ પ્લોટ મેઇન રોડ, તેમજ સુપર સિનેમાથી આસ્વાદ પાન સુધીનો વન-વે રોડ, તેમજ રવાપર રોડથી શનાળા રોડને જોડતો મોરબી નાગરિક બેંકવાળો રોડ, આ ચાર રોડ તાત્કાલિક બનાવવા જરૂરી છે.અને આ ચારેય રોડ ફરજિયાત સી.સી.રોડ બનાવવા જરૂરી છે. જો આ રોડ ડામરના બનાવવામાં આવશે તો પ્રજાના પૈસાનું આંધણ થશે કેમ કે ડામરનો રોડ બનાવ્યા પછી ચાર મહિનાની અંદર જ રોડ તૂટી જતો હોય છે. તેમાય આ ચારેય રોડ ઉપર આખો દિવસ ટુ-વ્હિલર તેમજ ફોર-વ્હિલરનો ટ્રાફિકનો ધમધમાટ પણ ખૂબ જ રહે છે. જેથી કરીને આ ચારેય રોડ સી.સી.રોડ બનાવવા જરૂરી છે. વધુમાં જણાવ્યું હતું કે,મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવતા જેટલા રોડ બનાવવાના હોય તે ડામરના બદલે સી.સી.રોડ બનાવવા જોઈએ અને આ રોડ સારી ક્વોલિટીના બને તેનું મોનિટરિંગ પણ કરવું જરૂરી છે. ખરેખર તંત્રને પ્રજાના હિતમાં સારી સુવિધા આપવી જોઈએ અને સરકારી નાણાંનો ખોટો વ્યય ન થાય અને લોકોની કાયમી મુશ્કેલીઓ દૂર થાય તે માટે માર્ગો લાંબા સમય સુધી ટકી રહે તે માટે સીસીરોડ બનવવાની તેમણે માંગ કરી છે.