પ્રથમ પાંચ નંબર મેળવનાર માતાઓ સહિત અગિયાર માતાઓને પુરસ્કૃત કરાઈ : પ્રથમ ક્રમાંકે રહેલી કિંજલબેન જીવાણીએ 1.25 લાખનો બ્યુટી કવિન સમાન તાજ જીત્યો મોરબી : વર્તમાન સમયને સોશ્યલ મીડિયાનો યુગ કહેવામાં આવે છે. કેમ કે લોકોના હાથમાં રહેલા સ્માર્ટ ફોનમાં આંગળીના ટેરવે તેને કોઈ પણ વિષયને લગતી માહિતી મળી રહે છે. જો કે બીજી તરફ બાળ ઉછેર સંદર્ભે નરી વાસ્તવિકતાએ છે કે જાણતા કે અજાણતા માતાઓ દ્વારા તેમાં બેદરકારી રાખતી હોય છે. ત્યારે મોરબીમાં યોજવામાં આવેલ આદર્શ માતા કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ મળીને ત્રણ તબક્કામા કરવામાં આવેલા આયોજનમાં પ્રથમ તબક્કામાં બાળકના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી જેમાં હેલ્ધી બાળકોને ધ્યાને લેવામાં આવ્યા હતા અને “વસ્ત્ર પરિધાન સ્પર્ધા” યોજવામાં આવી હતી જેના માર્ક પણ તેની માતાની પરીક્ષામાં પ્લસ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ૧૪૦૦ માતાઓની લેખિત કસોટી લેવામાં આવી હતી. જેના આધારે મોરબી જીલ્લામાં આદર્શ માતા નક્કી કરવામાં આવ્યા હતા. મોરબીમાં કોમનમેન ફાઉન્ડેશન દ્વારા આદર્શ માતા કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ મળીને ૧૪૦૦ જેટલી માતાઓ દ્વારા જુદાજુદા તબકકામાં લેખિત અને મોખિક પરીક્ષા લેવાઈ હતી. હજારો લોકોની હાજરીમાં આદર્શ માતા કસોટીની પ્રથમ રહેલી ૧૧ માતાઓમાંથી પાંચ આદર્શ માતાઓ પસંદ કરવામાં આવી હતી. બાળરોગના નિષ્ણાત ડોકટરો દ્વારા “બાળ ઉછેર બે હાથમાં” નામના પુસ્તકમાંથી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેના બહેનો દ્વારા કડકડાટ જવાબો આપવામાં આવ્યા હતા. આથી આયોજકો પણ થોડીવાર માટે મૂંઝવણમાં મૂકી ગયા હતા. જો કે બધા જ પ્રકારની આકારી કસોટી પૂરી કરીને કિંજલબેન દિપકભાઇ જીવાણી પહેલા ક્રમે વિજેતા જાહેર થતા તેમને સવા લાખની કિમતનો બ્યુટી કવીન જેવો તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ પહેલા મોરબી જિલ્લાની ૧૪૦૦ માતાઓમાંથી પ્રથમ આવેલ ૧૧ માતાઓની લાઈવ મૌખિક પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં બાળરોગ નિષ્ણાત ડો સતીષભાઈ પટેલ દ્વારા લખવામાં આવેલ “બાળ ઉછેર બે હાથમાં” પુસ્તકમાંથી માતાઓને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્રણ રાઉન્ડના અંતે પહેલા નંબરે આવેલા પાંચ બહેનો સિલેક્ટ થયા તેમાંથી નંબર વન આદર્શ માતાને સિલેક્ટ કરવા માટે બહેનોને સૌરાષ્ટ્રના નિષ્ણાત ડોકટરો દ્વારા લાંબા પ્રશ્નો પૂછવા આવ્યા હતા. તેમજ બાળવાર્તા કહેવડાવવામાં આવી હતી. આજકાલ મોબાઈલના યુગમાં મોટાભાગની માતાઓ જેને ભૂલી જ ગયેલ છે તેવુ હાલરડું પણ સ્પર્ધક માતા પાસે ગવડાવવામાં આવ્યુ હતું. જેના આધારે મોરબી જિલ્લાની “આદર્શ માતા”નક્કી કરવામાં આવી હતી તેવું આ કસોટીના સ્વપ્ના દ્રષ્ટા અને કોમનમેન ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડો સતીષભાઈ પટેલ જણાવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલા માતા કિંજલબેન દિપકભાઇ જીવાણીને સવા લાખની કિમતનો બ્યુટી કવીન જેવો તાજ પહેરાવવામાં આવ્યો હતો અને ફર્સ્ટ રનર્સ અપ માતા સંગીતાબેન આશિષભાઇ ગઢીયાને સોનાનો ચેન બાકીના ૩ થી ૧૧ નંબર સુધીના તમામ માતાઓને પણ સોનાના ઈનામો આયોજકો તરફથી આપવામાં આવ્યા હતા. એકથી અગિયાર નંબરે અનુક્રમે કિંજલબેન દીપકભાઈ, સંગીતાબેન આશિષભાઈ, વિરાજબેન ખગ્રામ, જલ્પાબેન ભાર્ગવભાઈ, ભૂમિબેન કાણસાગરા, દર્શનાબેન દિલીપભાઈ, નિશાબેન ભાવિનભાઈ, વીણાબેન જીતેન્દ્રભાઈ, વર્ષાબેન અલ્પેશ, હિરલબેન પ્રજેશભાઈ અને તરુણાબેન નરેશભાઈને સુવર્ણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૧૪૦૦ માંથી ૧૦૦ નંબર સુધીના બહેનોને એક-એક હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ સહિત ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેવું કોમનમેન ફાઉન્ડેશન ટ્રસ્ટી દિનેશભાઈ વાડ્સોલાએ જણાવ્યું હતું.