મોરબી : મોરબીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ભારતમાતાના પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને બે વિસ્તારોમાં રહીશો દ્વારા ભારતમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિન નિમિત્તે 26મી જાન્યુઆરીના રોજ રાત્રે 9 થી 10 દરમિયાન મોરબીના સામેકાંઠે આવેલી વૃંદાવન પાર્ક સોસાયટીમાં સોસાયટીના રહેવાસીઓ દ્વારા ભારતમાતા પુજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીવાયએસપી રાધિકા ભારાઈ, મામલતદાર નિખિલભાઇ જોશી તેમજ સંસ્કૃત ભારતીના કિશોરભાઈ શુક્લ હાજર રહ્યા હતા. આ તકે સોસાયટીમાંથી ભાઈઓ, બહેનો તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભારત માતાનું પૂજન કર્યું હતું. જેમાં સામાજિક અંતર અને માસ્ક બાબતે ખાસ કાળજી રાખવામાં આવી હતી. સતત 5માં વર્ષે ભારતમાતાના પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 26મી જાન્યુઆરીની રાત્રે 9 કલાકે ક્રિષ્ના વસ્તીના આજુબાજુના તમામ એપાર્ટમેન્ટ્સ મળીને ભારતમાતાના પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમની શરૂઆત વડીલોના હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને મુખ્ય વક્તા તરીકે નિલેશભાઈ સાદરીયા અને મહેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને આગળ વધારતા નાના બાળકો અને વડીલો દ્વારા કંકુ ચોખા અને ચાંદલો દ્વારા ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું અને સામૂહિક રીતે સ્થાનિકોએ સાથે મળી સંકલ્પ લીધો હતો. તેમજ સામૂહિક આરતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા કિરીટભાઈ, અનિલભાઈ, નિલેશભાઈ, નરેન્દ્રભાઈ, રાજેશભાઈ, હર્ષદભાઈ, કેવિનભાઈ, હિતેશભાઈ, હિરેનભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.