રાશન વિતરણના દુકાનદારો, નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પોલીસ અધિકારીની રૂબરૂ મુલાકાત લીધી હતી મોરબી : મોરબી ખાતેની સિવિલ હોસ્પિટલમાં 'કોવિડ-19 ડેઝીગ્નેટેડ હોસ્પીટલ'માં આઇસોલેશન વોર્ડ તથા આઈ.સી.યુ.નું ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ બારીકાઈથી જાત નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન હોસ્પિટલના ઇનચાર્જ અધિક્ષક ડો. દૂધરેજિયા, નિવાસી તબીબી અધિકારી ડો. સરડવા સહિત વિવિધ તજજ્ઞ ડોક્ટરો સાથે સિવિલ હોસ્પીટલમાં રાઉન્ડ લઈ કોરીનાના સંભવિત દર્દીઓની સારવાર અંગેની તૈયારી બાબતે માહિતી મેળવી હતી. સાથોસાથ જુદા-જુદા દર્દીઓને હાલ અપાતી સારવાર સબબ પણ ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી. તેમજ સરકારી હોસ્પીટલમાં જુદા જુદા પ્રકારની દવાનો પુરવઠા બાબતે પણ પૃચ્છા કરી હતી. તેમજ દિવસ-રાત જનતાની ખડેપગે સેવા કરતાં હોસ્પિટલના તમામ સ્ટાફના યોગદાનને બિરદાવી હોસ્પિટલના ટીમ વર્ક બદલ ધારાસભ્યએ અભિનંદન પાઠવ્યા હતા. સાથોસાથ મોરબી ખાતે સ્ટેશન રોડ ઉપર આવેલ સસ્તા અનાજની સરકારી દુકાને થતાં રાશન વિતરણ અંગે દુકાનમાં જઈને ધારાસભ્યએ ઘઉં, ચોખા અને દાળની ગુણવતા પણ ચકાસી હતી. દુકાને રાશન લેવા આવેલા કાર્ડ હોલ્ડરોને રૂબરૂ મળીને તેમની મુશ્કેલીઓ જાણી સ્થળ ઉપર નિકાલ કર્યો હતો. રાશન વિતરણની કામગીરીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેમજ વજનમાં ગ્રાહકોને છેતરાવું ના પડે તે જોવા દુકાનદારને તાકીદ કરી હતી. વધુમાં, મોરબી નગર પાલિકામાં ચીફ ઓફિંસરને રૂબરૂ મળી લોકડાઉનના સમયગાળામાં લોકોની પ્રાથમિક સુખાકારી અને સ્વચ્છતા જળવાઈ રહે તેવી ધનિષ્ઠ કામગીરી કરાય તે જોવા ભાર મૂક્યો હતો. નગર પાલિકા સંકુલમાં ડો. બાબા સાહેબ આંબેડકરની જયંતિ નિમિતે તેમની પ્રતિમાને ધારાસભ્યએ નમન કર્યા હતા. તેમજ નગર દરવાજે સફાઈ કરતી બહેનોને રૂબરૂ મળી ધારાસભ્યએ ખાસ ધન્યવાદ આપ્યા હતા. આ ઉપરાંત, પોલિસ અધિકારી ચૌધરીને રૂબરૂ મળી લોકડાઉન દરમ્યાન લોકોને મુશ્કેલી ન પડે તે રીતે વ્યવહારુ ઉકેલ જળવાય તે જોવા જણાવ્યું હતું. મોરબી સેવા સદનમાં નાયબ કલેકટર સાથે ધારાસભ્યએ ચર્ચા કરી જરૂરિયાતમંદ લોકોને લોકડાઉનના કપરા કાળમાં જીવન જરૂરી ચીજો સરકાર તેમજ દાતાઓ તરફથી મળી રહે તેવું સંકલન ગોઠવવા જણાવ્યું હતું. મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારમાં પોલિસની નાકાબંધીની કામગીરી નિહાળીને પોલીસના જડબેસલાક પ્રબંધને આવકાર્યો હતો. મોરબીના અગ્રણીઓ એલ. એમ. કંજારિયા, કે.ડી. પડસુંબિયા અને દેવેન્દ્રસિંહ જાડેજા સાથે પણ વિવિધ બાબતો અંગે પરામર્શ કર્યો હતો.