મેરજાએ સિવિલ હોસ્પિટલમાં પરિવાર સાથે વેકસીનેશન કરાવીને અન્યોને વેકસીન લેવાની અપીલ કરી મોરબી : મોરબીમાં કોરોના મહામારીને નાબૂદ કરવા માટે આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વેકસીનેશનનું અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં અગાઉ હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરોનું વેકસીનેશન બાદ હવે વરિષ્ઠ નાગરિકોને કારોનાની રસી મુકવાનો તબબકો હાથ ધરાયો છે. ત્યારે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોરોનાની રસી મુકાવી હતી. મોરબીના વરિષ્ઠ નાગરિકોને વેકસીનેશનના તબબકામાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પરિવાર સાથે મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ આત્મનિભર ભારતના મંત્રને સાર્થક કરીને હાલની કોરોનાં મહામારીને નાબૂદ કરવા વેકસીન ઉપલબ્ધ કરાવી છે. જેથી, તેમણે વેકસીન લઈને આ વેકસીન એક્દમ સુરક્ષિત હોવાનું જણાવીને સામાન્ય નાગરિકોને વારો આવે ત્યારે વેકસીન લેવાની અપીલ કરી હતી.