પુત્ર અને માતૃ સ્મૃતિમાં હનુમાન જયંતિએ કર્યું અનુદાન મોરબી : મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ પુત્ર અને માતાની સ્મૃતિમાં આજે જુદા - જુદા સાત કોવિડ કેર સેન્ટરને રૂ.77હજારનું અનુદાન આપ્યું હતું. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબીમાં જુદી–જુદી જ્ઞાતિઓના ચલાવાતા સાત જેટલા કોરોના કેર સેન્ટર જેવા કે યદુનંદન ગૌ સેવા સંચાલિત કોરોના કેર સેન્ટર, યંગ ઈન્ડિયા ગ્રુપ સંચાલિત કોરોના કેર સેન્ટર, પરશુરામ ધામ કોરોના કેર સેન્ટર, પાટીદાર કોરોના કેર સેન્ટર–જોધપર, જય અંબે કોરોના કેર સેન્ટર–બેલા, રઘુવંશી સમાજ કોરોના કેર સેન્ટર અને સતવારા સમાજ કોરોના કેર સેન્ટરમાં પ્રત્યેકના રૂ. ૧૧,૦૦૦ લેખે કુલ રૂ. ૭૭,૦૦૦ નું અનુદાન આપીને કોરોનાના દર્દીઓ પરત્વે સંવેદના વ્યક્ત કરી માનવ સેવાનું સ્તુત્ય પગલું હનુમાન જયંતીના પાવન પર્વે ભર્યું છે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે બ્રિજેશ મેરજાના યુવાન પુત્ર ડૉ. પ્રશાંત મેરજા તા. ૧૯.૦૪.૨૦૦૮ ના રોજ ૨૩ વર્ષની યુવાન વયે કાર અકસ્માતમાં દિવંગત થયેલા છે. તેમજ માતૃશ્રી વજીબેન તા. ૨૨.૦૫.૨૦૧૬ ના રોજ સ્વર્ગે સિધાવ્યા છે. જોગાનુજોગ આ બંને દિવ્ય આત્માઓ હનુમાન જયંતિના પાવન પર્વે પરલોક સિધ્ધાવતા તેમની સ્મૃતિમાં આજે હનુમાન જયંતીએ રૂ. ૭૭,૦૦૦૦ નું અનુદાન કરીને અન્યને પ્રેરણા પૂરી પાડી છે. ધારાસભ્ય બ્રિજેશ મેરજા માનવ સેવા માટે હંમેશા સંવેદનસભર હ્રદય સાથે લોક સેવા કરી રહ્યા છે. હાલના કોરોનાના કપરા કાળમાં પણ ખુદ પોતે ઈજાગ્રસ્ત હોવા છતાં અનેક પ્રયાસો કરી કોરોનામાંથી મોરબીને ઊગારવા યથાપ્રયત્ન કરી રહ્યા છે. તેમ યાદીમાં જણાવાયું છે.