તરુણ ગુમ થયા બાદ અપહરણની ફરિયાદ નોંધાઇ હતી. ઘરે પરત આવેલા તરુણે તેના પિતા બીમાર હોવાનું કહીને શેઠ પાસેથી પૈસા લઈને મુંબઈ ફરવા ગયો હોવાની કબૂલાત આપી મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગરમાં રહેતો તરુણ થોડા દિવસો પહેલા ગુમ થયા બાદ તેનું અપહરણની ફરિયાદ નોંધાઇ હતી.આ ગુમ થનાર તરુણ ગઈકાલે પોતાના ઘરે હેમખેમ પરત આવી ગયો હતો અને તેણે પોતના પિતા બીમાર હોવાનું ખોટું બહાનું બતાવીને તેમની પાસેથી પૈસા લઈને મુંબઈ ફરવા ગયો હોવાની કબૂલાત આપી હતી. આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતો અને મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડ પાસે આવેલ ગેડા સર્કલ પાસેની અંબિકા ઇલોકટ્રોનિકસની દુકાનમાં કામ કરતો રાહુલ લાલાભાઈ વાંજા ઉ.વ.16 નામનો તરુણ થોડા દિવસો પહેલા આ દુકાનેથી ઘરે આવું છું એમ કહીને ગુમ થઈ ગયો હતો.ત્યારબાદ તેની માતાએ પોતાના પુત્રનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયાની ફરિયાદ બી ડિવિઝનમાં નોધાવી હતી.પરંતુ આ બનાવ અપહરણનો ન હોવાનું અને તરુણ મુંબઈ ફરવા જવાનો શોખ હોવાથી તે પોતાની મેળે ફરવા ગયો હોવાનું ખુલ્યું હતું.જેમાં ગઈકાલે આ તરુણ હેમખેમ પોતાના ઘરે પરત આવ્યો હતો અને પોલીસ સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે, મુંબઈ ફરવા જવાનો શોખ હોવાથી તેને પોતાના પિતા બીમાર હોવાનું ખોટું નાટક કર્યું હતું.પોતે જ્યાં કામ કરે છે તે દુકાનેથી શેઠને પોતાના પિતા બીમાર હોવાનું ખોટું બહાનું બતાવી તેમની પાસેથી રૂ.5 હજાર ઉપાડીને મુંબઈ ફરવા ગયો હતો.જોકે આ બનાવમાં પુત્ર હેમખેમ પરત મળી આવતા તેના પરિવારજનોએ રાહત અનુભવી હતી.પોલીસે તેનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.