મોરબી : નોવેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. તેમજ તેના અનુસંધાને મોરબી સહીત ગુજરાત રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. જે અન્વયે મધ્યાહન ભોજન યોજના કચરી દ્વારા રાજ્ય સરકારે નિયત કરેલ કુકીંગ કોસ્ટની રકમ તેમજ અનાજ વિદ્યાર્થીઓને આપવાનો નિર્ણય લેવાયો છે. આથી, મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કોરોના વાઈરસના કારણે બંધ રહેલ પ્રાથમિક શાળાઓના બાળકોને તા. 16 થી 29 માર્ચ સુધીના સમયગાળા દરમ્યાન કુડ સિક્યુરીટી એલાઉન્સ તરીકે અનાજ આપવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ છે. અનાજ (ઘઉં અને ચોખા) વિતરણ અંગે ધો. 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે પ્રતિ દિન 100 ગ્રામ (ઘઉં-50 ગ્રામ /ચોખા-50 ગ્રામ) અને ધો. 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે પ્રતિ દિન - 150 ગ્રામ (ઘઉં-75 ગ્રામ, ચોખા-75 ગ્રામ) એ પ્રમાણે જાહેર રજા બાદ કરતાં કુલ દિવસ 11 મુજબ શરતોને આધીન ફૂડ સિકયોરીટી એલાઉન્સ આપવામાં આવશે.