આર્મી અને પોલીસની ભરતી માટે તૈયારી કરતા યુવાનોએ કોલેજના પ્રિન્સિપાલને આવેદન આપ્યું : અગાઉ મેળાનું અન્યત્ર સ્થળાંતર કરવાનો તંત્રના વાયદાનો ફિયાસ્કો મોરબી : મોરબીના એકમાત્ર એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફરી સરકારી હસ્તકલા મેળાના આયોજનને લઈને ભારે વિરોધનો વંટોળ જાગ્યો છે. આ ક્રિકેટ મેદાનમાં આર્મી અને પોલીસની ભરતી માટે તૈયારી કરતા યુવાનોએ આ સરકારી કાર્યક્રમનો ભારે વિરોધ કર્યો છે. આ યુવાનોએ એલ. ઇ. કોલેજના પ્રિન્સિપાલને આવેદન આપીને જો એલ.ઇ. ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી હસ્તકલા મેળાનું અન્યત્ર સ્થળાંતર ન થાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે. મોરબીના સામાકાંઠે આવેલા અને શહેરના રમત ગમત માટે એકમાત્ર એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડમાં આર્મી અને પોલીસની ભરતી માટે નિયમિત વ્યાયામ સહિતની તૈયારીઓ કરતા યુવાનોને આજે કોલેજને પ્રિન્સિપાલને આવેદન આપીને જણાવ્યું હતું કે, એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડમાં વારંવાર સરકારી કાર્યક્રમોનું આયોજન કરીને રમતવીરો તેમજ અન્ય યુવાનો અને સિનિયર સીટીઝનની સુવિધા પર તરાપ મારવામાં આવે છે. ઘણા સમયથી આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં કોઈને કોઈ સરકારી કાર્યક્રમો યોજાતા હોય એમાં આ મેદાનની ઘોર ખોદાઈ જાય છે. આવા કાર્યક્રમો પત્યા બાદ મેદાનની કોઈ જાળવણી કરાતી નથી. પરિણામે યુવાનોને જાતે જ દિવસો સુધી મહેનત કરવી પડે છે ત્યારે મેદાન રમવા લાયક યોગ્ય બને છે. સરકારી કાર્યક્રમો માટે મેદાનને ખોદી અને બાદમાં જ્યાં ત્યાં કચરા ફેંકી ઘોર ઉપેક્ષા કરવામાં આવે છે. જેથી રમતવિરો અને અન્ય યુવાનો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. જો કે થોડા સમય અગાઉ જ પેટા ચૂંટણી દરમિયાન સૌરભભાઈ પટેલને રજુઆત કરી ત્યારે તેઓએ આ મેદાનમાંથી હવે સરકારી કાર્યક્રમોને અન્યત્ર શિફ્ટ કરવાનો વાયદો આપ્યો હતો.આવી રીતે કલેક્ટરે પણ આવી જ ખાતરી આપી હતી.પણ આ વાયદા અને ખાતરીનું બાષ્પીભવન થઈ ગયું હોય એમ આગામી દિવાળીને લઈને રોજગારી માટે આ મેદાનમાં હસ્તકલા મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ 40 દિવસના મેળાથી ક્રિકેટ મેદાનની ઘોર દુર્દશા થઈ જાય છે. મેદાનમાં ખાડા તેમજ ગેટ તોડીને જ્યાં ત્યાં કચરા ફેંકી દેવામાં આવે છે.આવા આયોજનથી યુવાનોની સુવિધા છીનવાઈ ગઈ છે.હમણાં જ પોલીસની ભરતી આવે છે.તો યુવાનો આના માટે કેવી રીતે તૈયારી કરી શકશે? આથી આ મેંળાને અન્યત્ર શિફ્ટ ન કરાઇ તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.