મુખ્યત્વે હરિયાણાના આશરે ૫૦ જેટલા ફસાયેલા ખેત શ્રમિકો માટે બે ટંક ભોજનની વ્યવસ્થા ઉભી કરાઈ મોરબી : વિશ્વભરમાં કોરોના મહામારીનો અજગર ભરડો વ્યાપ્ત બન્યો છે ત્યારે મોરબી જિલ્લો પણ કોરોનાથી થોડેઘણે અંશે પ્રભાવિત થયો છે. અન્ય રાજ્યમાંથી મજૂરી કામ અર્થે લોકો મોરબી જિલ્લામાં આવતા હોય છે, જેમાં ખેત મજૂરોનો પણ સમાવેશ થાય છે. ત્યારે હરિયાણાથી આવેલા આશરે 50 જેટલા ખેત શ્રમિકો લોકડાઉનને લઈને અટવાઈ જતા એક આશ્રમ દ્વારા આ શ્રમિકો માટે રસોડું શરૂ કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં ચાલુ સિઝને કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં થયું હતું. જેમાં મજૂરી કરવા માટે મોટા ભાગે હરિયાણાથી ખેત મજૂરી માટે ઘણા શ્રમિકો આવ્યા હતા. કાંઠા વિસ્તારના તમામ ગામમાં હરિયાણાથી આવેલા મજૂર લોકડાઉનના કારણે ફસાયા છે. હરિયાણાથી આવતા મજૂરો છૂટક મજૂરી કરતા હોય છે. તેઓ ખેતર અથવા સરકારી ખરાબમાં ઝૂંપડા વાળીને રહેતા હોય છે. ત્યારે મોરબીના રામનગર અને ખારેચિયા ગામે 50 જેટલા હરિયાણાના મજૂરો ફસાયા છે. ખારેચિયા ગામે કરુણાનિધાન આશ્રમ આવેલ છે જ્યાં આ શ્રમિકો પીવાનું પાણી ભરવા જતા હતા. એક મહિનાથી વધુ ચાલી રહેલા લોકડાઉન દરમ્યાન આ શ્રમિકો પાસે પૈસા ખૂટી જતા બે ટંક જમવાના પણ ફાંફા થઈ ગયા હતા. ત્યારે આશ્રમના મહંત જયશ્રીદાસજી માતાજીને આ બાબતની જાણ થતાં તમામ મજૂર માટે રસોઈ બનાવવાનું શરૂ કર્યું છે. આજુબાજુના ગામના તથા આશ્રમના સેવાભાવી લોકો ભોજન બનાવવામાં મદદ કરે છે. મજૂરો સાથે થયેલી વાતચીત દરમ્યાન તેઓએ જણાવ્યું કે, સરકાર અમારી લાગણી અને મુશ્કેલી સમજે તથા બને એટલી વહેલી તકે અમારા વતન પરત મોકલવા અમારી મદદ કરે. હાલ તો આશરે 50 જેટલા ખેત શ્રમિકો આશ્રમને આશરે દિવસો વ્યતીત કરી રહ્યા છે.