પ્રતિકિલો ફેટે અપાતા ૬૪૦ ના બદલે ૬૫૦ નો નવો ભાવ અમલી કરાયો હળવદ: મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (મયુર ડેરી)દ્વારા દૂધ ઉત્પાદકોના હિતમાં પ્રતિ કિલો ફેટના ભાવ માં રૂપિયા ૧૦નો વધારો કરવામાં આવ્યું છે અને આ ભાવ વધારાનો અમલ પણ કરી દેવાયો છે. હાલ ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ દૂધના ભાવ મળી રહે તેવા હેતુ સાથે મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.(મયુર ડેરી) દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલોએ રૃપિયા ૧૦નો વધારો કરવામાં આવ્યો છે અત્યાર સુધી દૂધ સંઘ ૬૪૦ રૂપિયા ચૂકવતુ હતું જે રૂપિયા ૧૦ ના વધારા સાથે ૬૫૦ રૂપિયા ચુકવશે અને આ ભાવ વધારો આજથી જ અમલી પણ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મયુર ડેરી સાથે જિલ્લાની ૨૯૫ દૂધ મંડળીઓ જોડાયેલી છે સાથે જ મોરબી દુધ સંઘ દ્વારા દરરોજ ૧.૮૫ લાખ લીટર દૂધ એકઠું કરે છે તેમજ ૨૨ હજારથી વધુ દૂધ ઉત્પાદકો મોરબી દૂધ સાથે જોડાયેલા છે. પશુપાલન સાથે સંકળાયેલા લક્ષ્મીબેન એ જણાવ્યું હતું કે પ્રતિકિલો ફેટે રૂ ૧૦નો ભાવ વધારો કરવામાં આવ્યો છે તે આવકાર્ય છે પરંતુ હાલની પરિસ્થિતિમાં પશુ ઓનેશ નિભાવવા માટે જે ખર્ચ થાય છે તે જોતા આ ભાવ વધારો યોગ્ય ન કહી શકાય ગત વર્ષે પ્રતિ કિલો ફેટના રૂપિયા ૬૮૦ હતા જ્યારે હાલ ૬૫૦ થયો છે ખરેખર તો પશુપાલકોને પ્રતિકિલો ફેટે રૂપિયા ૭૦૦ ચૂકવવામાં આવે તો જ પોસાય તેમ હોવાનું જણાવ્યું હતુ. નોંધનીય છે કે, ગત વર્ષે કોરોના મહામારીને લઈ લગાવવામાં આવેલ લોકડાઉન ના કારણે દૂધનો સ્ટોક વધુ થઈ ગયો હોય જેને કારણે આ વર્ષે દૂધના ભાવમાં વધારો ન થતો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે વધુમાં એ પણ જણાવી રહ્યા છે કે લોકડાઉન જેવી પરિસ્થિતિમાં પણ દૂધ સંઘ દ્વારા એક પણ દિવસ દૂધ મંડળી બંધ ન રાખી દૂધ ખરીદવામાં આવતું હતું.