જિલ્લાના ત્રણ સખી મતદાન મથકો પૈકી મોરબીમાં સૌથી વધુ મતદાન મોરબી : પ્રથમ તબક્કામાં મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં મતદાન સંપન્ન થયું છે ત્યારે જિલ્લાના ૭.૨૫ લાખ મતદારો પૈકી ૫.૩૦ લાખ મતદારોએ પોતાના મત્તાધિકારનો ઉપયોગ કર્યો હતો, ઉપરાંત આ વખતે પ્રથમ વખત જ મહિલા કર્મચારીઓ સંચાલિત મોડેલ સખીમતદાન મથકનો પ્રયોગ કરાતા મોરબીના સખી મતદાન કેન્દ્રમાં ૭૭% મતદાન નોંધાયું હતું. મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં કુલ ૭,૨૫,૦૦૦ મતદારો નોંધાયેલા છે,જેમાં મોરબી બેઠકમાં ૨૫૫૦૭૧ મતદારો પૈકી આ ચુટણીમાં ૧૮૨૩૪૦ મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે ટંકારા બેઠકમાં ૨૨૪૫૨૧ માંથી ૧૬૬૪૧૩ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને વાંકાનેર બેઠકમાં ૨૪૪૬૦૬ માંથી ૧૮૧૯૩૧ મતદારોએ મતદાન કર્યું હતું. વધુમાં આ વખતની ચૂંટણીમાં ચૂંટણીપંચની સૂચના અન્વયે ત્રણેય બેઠકોમાં એક-એક મતદાન મથકનો તમામ સ્ટાફ મહિલાઓનો મૂકી આ મતદાન કેન્દ્રને સખી મતદાન કેન્દ્ર નામ અપાયું હતું. આ સખી મતદાન કેન્દ્રમાં મોરબીમાં ૭૭ ટકા, ટંકારામાં ૬૮.૫૪ ટકા અને વાંકાનેરમાં ૭૧. ૩૪ ટકા મતદાન થયું હતું.